RAJKOT : ચૈત્રમાં મુશળધાર માવઠાં: દ્વારકા, વેરાવળ, કલ્યાણપુરમાં દોઢ ઈંચ

0
21
meetarticle

ઉત્તર ગુજરાત ઉપર સમુદ્રસપાટીથી 900 મીટર ઉંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન તથા હાલ અફઘાનિસ્તાન ઉપર પહોંચેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ચૈત્રની વસંત ઋતુ ભારે ડિસ્ટર્બ થઈ છે અને કટાણે અષાઢી માહૌલ સર્જાયો છે. દેવભુમિ દ્વારકા પંથકમાંઆજે સતત બીજા દિવસે માવઠાંથી જનજીવનને અસર પહોંચી હતી. દ્વારકા,જામકલ્યાણપુર અને સોમનાથ-વેરાવળ પંથકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

સોમનાથ જિ.માં વેરાવળમાં વિજળીના કડાકા સાથે વરસાદથી વેરાવળમાં માર્ગો પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગટરનાપાણી રસ્તા પર વહેવા લાગ્યા હતા. તાલુકાના સવની,ઈશ્વરીયા, મંડોર,દેવળી સહિતના ગામોમાં લસણના પાકને વ્યાપક નુક્સાનના અહેવાલો છે. ખેડૂતોના પાથરાં પલળી ગયા હતા. તાલાલા ગીરમાં પણ માવઠાંથી કેરીના પાકને નુક્શાનની ભીતિ સર્જાઈ છે.દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. ઓખા મંડળમાં અર્ધો ઈંચ સુધી ભાણવડ તાલુકામાં ઝાપટાં વરસ્યા હતા. લોકો ઉનાળામાં  રેઈનકોટ પહેરીને નીકળવા મજબૂર થયા હતા. ખેતરોમાં પાકને નુક્શાનની ભીતિ વ્યક્ત કરાઈ છે.  જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તથા લાલપુર તા.માં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ગરમીમાં રાહત પણ ઘંઉ, જીરૂ સહિતના કૃષિપાકોમાં નુક્શાનની ચિંતા પ્રસરી હતી. સલાયા  અને આસપાસ વિસ્તારોમાં પણ માવઠાં વરસ્યા છે.

આ ઉપરાંત ભાવનગર અને ઘોઘા તા.માં પોણો ઈંચ, સિહોરમાં ઝાપટાં, કચ્છ જિલ્લાના અંજાર, મુંદ્રા, ગાંધીધામ, પાટણ જિલ્લાના પાટણ, સિધ્ધપુર, સરસ્વતી તા.મા તથા મહેસાણા,બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા માવઠાં વરસ્યા છે.  રાજ્યમાં આજ સાંજ સુધીમાં આશરે 20 સ્થળે વરસાદ નોંધાયો છે અને સર્વત્ર કમોસમી વાદળો છવાવા સાથે 30- 40 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here