સૌરાષ્ટ્ર સહિત દેશભરના લાખો યાત્રિકોના આસ્થા કેન્દ્ર એવા રાજકોટ-લિંબડી હાઈવે પર આવેલા ચોટીલા ડુંગર ઉપર ૯૦૦ પગથિયા પછી બીરાજતા સ્વયંભુ ચામુંડા માતાજીના મંદિરે પહોંચવાનું હવે અનેક વયોવૃધ્ધો, બિમારો, મહિલાઓ,નાના બાળકો સહિત યાત્રિકોને સુગમ બનશે.ગુજરાત સૌ પ્રથમ દોરડા પર ચાલતી મીની કાર જેવી ફ્યુનિક્યુલર રાઈડનું કાર્ય હાથ ધરાયું છે.

આ અંગે ચોટીલાડુંગર ચામુંડા માતાજી ટ્રસ્ટના સૂત્રો અનુસાર ઈ.સ.૨૦૨૩માં આ કામનું ભૂમિપૂજન કરાયું હતું અને મંજુરીઓ બાદ ચાલુ વર્ષમાં રૃ।.૨૦ કરોડના ખર્ચે કામ શરૂ કરાયું છે. આવી રાઈડ્સ ડુંગર પરના યાત્રાધામ પર પહોંચવા પ્રથમવાર છે, જો કે સપ્તશ્રૂંગી સહિતના સ્થળે આવી રાઈડ્સ કાર્યરત છે. એક સાથે ૬-૬ યાત્રિકોની ક્ષમતાવાળી ૬ રાઈડ્સ અવરજવર કરશે અને માત્ર પાંચ મિનિટમાં યાત્રિકો ડુંગર ઉપર પહોંચી શકશે. ચોટીલા ડુંગરના પગથિયા જ્યાં શરૂ થાય છે તેની ડાબી બાજુએથી આ રાઈડ્સનું કામ ચાલી રહ્યું છે અને છ માસમાં પૂરૂં થવાનો અંદાજ છે.
મૂળ લેટિન શબ્દ ફ્યુનિક્યુલસ (નાનુ દોરડું ) પરથી ફ્યુનિક્યુલર રાઈડ એટલે કે દોરડા પર ચાલતી કાર એવું નામકરણ થયું છે. મૂળ કેબલ રેલવે તરીકે આવી રાઈડ્સની શોધ ઈ.સ.1820માં થઈ હતી અને 1875માં સૌ પ્રથમ ફ્યુનિક્યુલર રાઈડનો પ્રારંભ યુ.કે.માં નોર્થ યોર્કશાયરમાં થયો હતો. વિશ્વમાં તેનો પ્રથમ ટેસ્ટ રન તા. 23-10-1869 ના થયો હતો. હાલ આ રાઈડ્સનું 80 ટકા નિર્માણ સ્વદેશી પાર્ટ્સ, સાધનોથી થાય છે.

