રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી ડામવા પોલીસ એક્શન મોડમાં આવી છે. જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામે જાહેરમાં નસીબ આધારિત જુગાર રમી રહેલા શખ્સો પર પોલીસે લાલ આંખ કરી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેઈડમાં પોલીસે રોકડ સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે ચાર શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે મોટાગુંદાળા ગામે ઓવરબ્રિજ સામે આવેલી દરગાહ પાસે, પીપળાના ઝાડ નીચે કેટલાક શખ્સો એકઠા થઈ ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં હાજીભાઈ ઇસ્માઇલભાઇ જુણેજા, કાદીર ઉર્ફે કાજલો ચૌહાણ, ભીખાભાઈ વાઘેલા, મોહસીન ચૌહાણ, ગોવિંદભાઈ પરમાર અને ભીખાભાઈ સોલંકી સમાવેશ થાય છે, રેઈડ દરમિયાન પોલીસને ₹૧૮,૨૯૦/-રોકડ રકમ કબજે કરી હતી
પોલીસની આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર ચંદુભાઈ જેઠાભાઈ પરમાર સહિત અન્ય ત્રણ શખ્સો—તોફિક ઉર્ફે ગાભો, જેટલી અને સુરેશ ડાભી—રેઈડ દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસ હાલ આ ચારેય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ કિશોરસિંહ વાઘેલાએ ફરિયાદી બની તમામ ૧૦ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

