રાજકોટ જિલ્લાના જેતપુરમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી છે. અમરનગર રોડ પર આવેલા વેકરીયા નગર વિસ્તારમાં એક ખાનગી સ્કૂલ બસની બેદરકારીને કારણે વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોના વાહનો અને મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઘટનાની વિગત મુજબ જેતપુરના વેકરીયા નગરમાં આજે સવારે અંદાજે 6:30 વાગ્યે એક ખાનગી સ્કૂલ બસ પસાર થઈ રહી હતી. ડ્રાઈવરે બસ રિવર્સ લેતી વખતે રસ્તા પરના વીજપોલ સાથે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે એક વીજપોલ નમી પડ્યો હતો ત્યારે PGVCLની ટીમ સમારકામ કરી રહી હતા તે દરમિયાન અચાનક 5 જેટલા વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં વાહને મોટું નુકશાન પહોંચ્યું હતું.
સ્થાનિક રહેવાસી હરસુખભાઈના જણાવ્યા અનુસાર, સવારે 10 વાગ્યાના સુમારે જ્યારે PGVCLની ટીમ સમારકામ માટેની તૈયારી કરી રહી હતી, ત્યારે અચાનક એક પછી એક એમ કુલ 5 વીજપોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા. સદનસીબે તે સમયે વીજ પુરવઠો બંધ હોવાથી મોટો કરંટ લાગવાની દુર્ઘટના ટળી હતી. આ વીજપોલ ધરાશાયી થવાને કારણે નીચે પાર્ક કરેલી કાર અને અન્ય વાહનો પર પોલ પડ્યા હતા, જેનાથી વાહનોને વ્યાપક નુકસાન થયું છે.
સ્થાનિક રહેવાસી મહેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું કે, તેઓ પોલ નીચેથી પસાર થઈ રહ્યા હતા અને માંડ એક સેકન્ડના તફાવતે તેમનો જીવ બચ્યો છે, પરંતુ તેમના ટુ-વ્હીલરને ભારે નુકસાન થયું છે.

અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે સ્કૂલ બસના સંચાલકો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે લોકોના વાહનો તથા મકાનોને નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે.
હાલમાં PGVCL દ્વારા વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર અને તેમની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

