RAJKOT : જેતપુરમાં રખડતાં શ્વાસનો આતંક ધર પાસે રમતા બાળક પર હુમલો કરતા 6 ટાંકા આવ્યા

0
23
meetarticle

જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. તાજેતરમાં, કોટડિયા વાડી પાસેની આસોપાલવ સોસાયટીમાં શેરીમાં રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને છ ટાંકા લેવા પડ્યા હતા.

આ ઉપરાંત, અન્ય એક બાળકને પણ શ્વાને બચકા ભર્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

જેતપુર શહેર અને પંથકમાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 450 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ મહિનામાં કુલ 1200 થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ચાલુ જાન્યુઆરી મહિનામાં પણ 100 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે.

શહેરના અનેક વિસ્તારોમાં ચોવીસેય કલાક શ્વાનનો જમાવડો રહે છે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ, બાઈક ચાલકો અને પગપાળા જતા લોકો ભયના ઓથાર હેઠળ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. નગરપાલિકા તાત્કાલિક ધોરણે શ્વાનને પકડી, તેમનું ખસીકરણ અને રસીકરણ કરે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

બોક્સ……
પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું શ્વાનનું ખસીકરણ કરાશે

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકા શ્વાનની વસ્તી ગણતરીની પ્રક્રિયા કરી રહી છે. સરકારે શ્વાનને પકડ્યા બાદ એનિમલ હોસ્ટેલ માટે જગ્યાની માંગણી કરી છે. જગ્યા મળ્યા બાદ ત્વરિત શ્વાનનું ખસીકરણ કરી તેમની વધતી વસ્તી પર કાબુ મેળવવામાં આવશે.

ચીફ ઓફિસરના જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરીજનોને શ્વાનના આતંકથી હાલ કોઈ તાત્કાલિક રાહત મળી શકે તેમ નથી. છેલ્લા ત્રણ મહિનામાં કુલ 1230 જેટલા શ્વાન કરડવાના કેસો નોંધાયા છે, જેમાંથી ૧૩૨ જેટલા લોકોને હડકાયા શ્વાન કરડ્યા હતા. દરરોજ સરેરાશ 10 થી 12 દર્દીઓ શ્વાન કરડ્યા હોવાની સારવાર લેવા માટે આવે છે, જેમાં બાળકો, વૃદ્ધો અને યુવાનોનો સમાવેશ થાય છે.

Repoter : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here