અહીંના નવાગઢ વિસ્તારમાં માત્ર રૂા.૨૦૦ની ઉઘરાણી બાબતે ઉતરપ્રદેશના બે શ્રમિક વચ્ચે બોલાચાલી થતા એક શ્રમિકે સંજય શ્રીરામકબીરદારના ગળા પર છરીથી હુમલો કરી હત્યા નીપજાવ્યા બાદ તેના મિત્ર આરોપીએ તેના સાગરિતો સાથે મળી બાઇક પર લાશને રાખી કેનાલ નજીક ફેંકી દેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવમાં બેની ધરપકડ થઇ છે.
બનાવની વધુ વિગત મુજબ નવાગઢ વિસ્તારમાં રહેતા સંજય શ્રીરામકબીરદાસ (ઉ.વ. ૨૫)નો મૃતદેહ ગળુ કપાયેલી હાલતમાં કેનાલ પાસેના મેદાનમાંથી લોહીના ખાબોચિયા સાથે મળી આવ્યો હતો. આ મૃતક યુવાન સંજય અને હત્યાનો આરોપી આશીષ નંદલાલ અવસ્થી તથા રામચંદ્ર રામરતન ભંડારી આ ત્રણેય યુપીના યુવાનો એક જ રૂમમાં રહેતા હતા.

મૃતક સંજયે આરોપી આશીષ પાસેથી અગાઉ રૂ.૨૦૦ ઉછીતા લીધા હતા. જેની આશીષે ઉઘરાણી કરતા સંજય અને આશીષ વચ્ચે રકઝક થઇ હતી. દરમિયાન સંજયે આશીષની માતા સામે ગાળો ભાંડતા તે ધૂંવાફૂવા થઇ ગયો હતો. ઉશ્કેરાયેલા આશીષે રૂમમાં પડેલી શાક સુધારવાની મોટી છરી ઊઠાવીને સંજયના ગળા પર ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો. બનાવ બાદ આરોપી આશીષે તેમના મિત્ર રામચંદ્ર ભંડારીએ લાશને મોટર સાયકલમાં લાદીને કેનાલના મેદાનમાં ફેંકીને ચાલ્યા ગયા હતા.
બનાવ બાદ ઉદ્યોગનગર પોલીસ અને એલસીબી સ્ટાફે સીસીટીવી કેમેરા ખાતે હ્યુમન સોર્સના આધારે તપાસનો ધમધમાટ કરી આશીષ નંદકિશોર અવસ્થી અને રામચંદ્ર રામરતન ભંડારીને દબોચી લઇ આકરી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી લીધી હતી.

