જેતપુર તાલુકાના ઉમરાળી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ ગાળાવાળી ખોડિયાર મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ બનેલી આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોરોએ મંદિરની બે દાનપેટીઓની ચોરી કરી હતી, જોકે તેઓ મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરાળી અને ત્રાકુડા ગામ વચ્ચે આવેલા ગાળાવાળી ખોડિયાર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે અજાણ્યા ચોર ઈસમો મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. મંદિરની અંદર રાખવામાં આવેલી બે મોટી દાનપેટીઓ ચોરીને તેઓ ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ સવારે મંદિરના પૂજારીને થતા તેમણે તાત્કાલિક વીરપુર પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી હતી. મંદિરના સંચાલકોએ પોલીસને જણાવ્યું કે ચોરી થયેલી દાનપેટીઓમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તો દ્વારા મોટી રકમનું દાન આપવામાં આવ્યું હતું.
ચોરીની ઘટના મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં બે ચોર ઈસમો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પવિત્ર પર્વમાં માતાજીના મંદિરમાં ચોરી થતા શ્રદ્ધાળુઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. પોલીસે ચોરોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

