જેતપુર: આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ માંઝા અને નાયલોન દોરીના વેચાણ તેમજ સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલીકરણ માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જેતપુર સીટી પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે, ખોડપરા જીન પ્લોટ વિસ્તારમાં રહેતા આબીદ આરીફભાઇ મુસાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો, જે તે છાનીછુપીથી વેચતો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ ફિરકા ૮૪ નંગ ચાઈનીઝ દોરી કુલ કિંમત: આશરે ₹૧૬,૮૦૦/- કરીને આ મામલે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ – ૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ – ૧૧૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરી રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચના હેઠળ જેતપુર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

