ગીર સોમનાથ જિલ્લામાં નકલી દુધ બનાવવાની ગેરકાયદે પ્રવૃતિ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાલાલાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં નકલી દુધ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડી ૩૧ર૦ લીટર નકલી દુધ સહિત ૪.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટક કરી હતી. આ નકલી દુધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરાતું હોવાનું ખુલ્યું છે.

ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ગીર સોમનાથ ફુડ સેફટી ઓફિસરને સાથે રાખી તાલાલા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટા (ઉ.વ.ર૪)ના રહેણાકના વાડામાં દરોડો પાડયો હતો અને નકલી દુધ બનાવવાના કાળા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પામ ઓઈલ, યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિકસ કરી નકલી દુધ બનાવતો હતો. પોલીસે સ્થળ પરથી ૩૧ર૦ લીટર નકલી દુધ, ર૬૦ કિલો પામતેલ, દુધ બનાવવાનો ૧૦પ કિલો પાઉડર, ૧૬ કિલો મીલ્ક પાઉડર, ૭૮ મોટા ખાલી કેન મળી ૪.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો ખુલી હતી કે આરોપી રવિ કરમટા રોજનું ૬ હજાર લીટર નકલી દુધ બનાવી તાલાલા વિસ્તારની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરતો હતો. ફૂડ સેફટી ઓફિસરે દુધના નમુના લઈ તપાસ અર્થે લેબમાં મોકલ્યા છે. તથા નકલી દુધ બનાવવાનો સરસામાનનો જથ્થો સીઝ કરાયો છે. તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

