મહારાષ્ટ્રના ઉમરગામથી દરિયાઈ માર્ગે બોટમાં લાવવામાં આવી રહેલા 25 લાખના દારૂ સાથે 10 શખ્સોને ઝડપી લઈ કુલ રૂ. 35.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. નવાબંદર મરીન પોલીસે સિમર બંદરના દરિયામાં સફળ ઓપરેશન પાર પાડયું હતું. આ દારૂનો જથ્થો ઊના વિસ્તારમાં કટિંગ થવાનો હતો.

નવાબંદર મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ રાણા અને સ્ટાફને દરિયા કાંઠે સધન પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બાતમી મળી હતી કે, સિમર બંદરથી દૂર દરિયામાં એક બોટમાં વિદેશી દારૂનો જથ્થો લેન્ડિંગ થવાનો છે. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલાએ ખાનગી બોટમાં સિમર બીચથી દૂર ભેંસલા ટાપુ આગળ બંધ હાલતમાં રહેલી બોટ સુધી પહોંચી બોટને કોર્ડન કરી લીધી હતી. બોટની તલાશી લેતા રૂ. 24.82 લાખની કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બોટમાં સવાર ખલાસીઓ વિશાલ મહેશ પટેલ (સુરત), અનિલ આનંદ રોકડે, કૌશિક અશ્વિન ગોરવા (દહેલી-વલસાડ), અંકુશ મુકેશ રોકડે, બિપિન મગન જાંજર, રાહુલ અંકુશ રોકડે, સ્વપ્નિલ ગણેશ રોકડે, ભરત જાદવ ટંડેલ અને જાગૃત નારણ ટંડેલ (રહે.નાની દાંતી-વલસાડ) તથા એક સગીર સહિત 10ની અટકાયત કરી નાની-મોટી દારૂની બોટલો ભરેલી 335 પેટી, બિયર ટીનની 80 પેટી, 8 મોબાઈલ અને બોટ મળી કુલ રૂ. 35.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં આ શખ્સોએ દારૂ મહારાષ્ટ્રના ઉમરગામના વિશાલ ઢોડીયા અને વલસાડના રોનક ટંડેલે આપ્યાનું જણાવ્યું હતું. પોલીસે તેની સામે પણ ગુનો નોંધી પકડવા તજવીજ આદરી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રમાણમાં મનાતો દારૂનો આ જથ્થો કટિંગ થાય તે પહેલાં દરિયાની અંદર જઈ નવાબંદર મરીન પોલીસે એ પકડી લાધો હતો. ઊના પંથકમાં દારૂ કોને પહોંચાડવાનો હતો તે તપાસનો વિષય છે.

