રાજકોટ, : બીજી બધી વસ્તુઓનાં ડુપ્લીકેશનની જેમ ભારતમાં હવે નકલી દવાઓનાં ઉત્પાદન અને વેંચાણની ગંભીર સમસ્યા પણ ઉભી થઇ છે. ચોંકાવનારી વાત એ છે કે, નકલી દવાઓ બિલકુલ અસલી જેવી હોય છે. તેનું પેકેજિંગ, ગોળીઓનાં કલર સરખા હોવાનાં કારણે દર્દીઓ તો ઠીક કેમિસ્ટો પણ તેની આસાનીથી ખરાઇ કરી શકતા નથી.

રાજકોટની વાત કરીએ તો અત્યાર સુધીમાં નકલી દવાઓની ફરિયાદો ઉઠી ન હતી. પરંતુ જાણકાર વર્તુળોનાં કહેવા પ્રમાણે, છેલ્લા એકાદ વર્ષમાં નકલી દવાઓના ત્રણેક કિસ્સાઓથી ચિંતા વધી છે. બે માસ પહેલાં જ રાજકોટમાં પ્રેગનન્સી, દાંત-હાડકાની સર્જરી વગેરેમાં ઉપયોગમાં લેવાતી નકલી દવાઓનો જથ્થો જપ્ત થયો હતો. જો કે આ દવાઓનો જથ્થો એકલા રાજકોટમાં નહીં પરંતુ રાજ્યભરમાંથી મળી આવ્યો હતો. આ સ્થિતિમાં રાજકોટમાં પણ હવે નકલી દવાઓનું ભૂત ધૂણ્યું છે. આ જ કારણ છે કે કેમિસ્ટ એસોસિએશન (રાજકોટ)એ તેના મેમ્બર વેપારીઓને કંપની ચેનલ સિવાય દવાઓની ખરીદી નહીં કરવાની ચેતવણી આપી છે. જો કે, કોઇ મેમ્બર વેપારી કંપની ચેનલ સિવાય બહારગામથી કે અન્ય જગ્યાએથી ખરીદી કરશે તો તેના વિરૂા.ધ્ધ પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.
એક અંદાજ પ્રમાણે રાજકોટમાં હાલ લાઇફ સેવિંગ અને લાઇફ સ્ટાઇલ ડિસિઝની મળી તમામ પ્રકારની અંદાજે રૂા.. 2 કરોડની દવા વેંચાય છે. શહેરમાં 1400 જેટલા કેમિસ્ટોને ત્યાંથી આ દવાઓનું વેંચાણ થાય છે.
નકલી દવાઓમાં ખોટી અને હલકી ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે દર્દીને કોઇ ફાયદો તો સ્વાભાવિક રીતે થતો નથી, ઉલ્ટાનું તેનું સ્વાસ્થ્ય બગડે છે. ઘણી વખત તેણે મોતના મુખમાં પણ ધકેલાવું પડે છે.આ જોતાં નકલી દવાઓનો કાળો કારોબાર રાજકોટ જ નહીં પરંતુ દેશભરમાં એક ગંભીર સમસ્યા બની ગઇ છે. રાજકોટનાં કેમિસ્ટ એસોસીએશનના માનદ મંત્રી અનિમેશ દેસાઈએ જણાવ્યું કે, ‘નકલી દવાઓ એટલી હદે અસલી લાગે છે કે ખુદ અમે પણ તેને આસાનીથી ઓળખી શકતા નથી. મેગ્નીફાઇંગ ગ્લાસથી જોઇએ ત્યારે સ્પેલિંગમાં મિસ્ટેક કે એવી બીજી ત્રૂટીઓને કારણે જ દવા નકલી હોવાનો ખ્યાલ આવે છે.’ આ જ કારણથી દરેક સરકાર નકલી દવાઓને ઓળખી કાઢવામાં ઉણી ઉતરી રહી છે.
સ્વાભાવિક છે કે દવા કંપનીઓ કે જે નવી-નવી દવાઓ શોધવા માટે રિસર્ચમાં લાખો-કરોડો રૂા.પિયા ખર્ચે છે, તેમને પણ નકલી દવાઓ વેંચાય તે પોસાતું નથી. પરંતુ તેઓ પણ નકલી દવાઓ શોધી કાઢવામાં મુશ્કેલી અનુભવી રહી છે અને કહે છે કે હવે થાકી પણ ગઇ છે.
નકલી દવા ઓળખવાનું કોઈ મિકેનિઝમ વિકસ્યું નથી, QR કોડ એક ઉપાય છે પણ અવેરનેસનો અભાવ
એકંદરે ભારતમાં કોઇ એવું મિકેનિઝમ જ નથી બન્યું કે જેને કારણે આસાનીથી ગ્રાહકો પણ નકલી દવાઓની ઓળખ કરી શકે. હવે ભારતની 300 જેટલી ટોચની ફાર્મા કંપનીઓએ પેકેજિંગ ઉપર ક્યુઆર કોડ લગાડવાનું શરૂા. કર્યું છે, જેને સ્કેન કરવાથી દવા અસલી છે કે નકલી તેની જાણકારી મળી રહે છે પરંતુ ભારતમાં ગ્રાહકો હજુ આ રીતે પેકેજિંગ પરનાં ક્યુઆર કોડ સ્કેન કરી ખરાઇ કરે તેટલા જાગૃત બન્યા છે કે કેમ તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. આ જોતાં સરકારે હવે નકલી દવાઓ બાબતે ગંભીરતાથી અને સખ્તાઇથી કાર્યવાહી કરે તો જ તેનું ઉત્પાદન અને વેંચાણ અટકી શકે તેમ છે તેમ જાણકારોનું કહેવું છે.

