રાજકોટના બહુમાળી ભવનમાં આવેલી જીએસટી કચેરીમાં આસિસ્ટન્ટ જીએસટી કમિશનર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા ભરતભાઈ શામજીભાઈ સુરેલિયા વિરૂધ્ધ એસીબીએ રૂ. 3,000ની લાંચની માગણી કર્યા અંગે ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

એસીબીના સૂત્રોએ જણાવ્યું કે આરોપી સુરેલિયા છેલ્લે ગાંધીધામ ફરજ બજાવી નિવૃત થયા હતા. હાલ મોરબી રહે છે. 2023માં એસીબીએ તેની ઉપર ટ્રેપ કરી હતી. જે નિષ્ફળ નીવડતા નિયમ મુજબ ખુલ્લી તપાસ શરૂ કરી તેનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવાયો હતો. જેમાં તેનો જ અવાજ હોવાનું ખુલતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદીએ પોતાના ગ્રાહકના કારખાના માટે જીએસટી નંબર મેળવવા આરોપી સુરેલિયાનો 2023ની સાલમાં સંપર્ક કર્યો હતો. તે વખતે રૂ. 3000ની લાંચની માગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં ગઇ તા. 24-10-2023ના રોજ ટ્રેપ ગોઠવાઇ હતી. જેમાં આરોપી સુરેલિયાએ લાંચ નહીં લેતા ટ્રેપ નિષ્ફળ ગઇ હતી.
હવે તપાસના અંતે આ લાંચની માગણી કર્યાના પૂરાવા મળતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીએ હવે ક્લાસ-૧ અધિકારી રહી ચૂકેલા આરોપી સુરેલિયાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

