RAJKOT : પત્ની પીડિત પુરૂષે નોંધાવી ફરિયાદ, પોલીસને જણાવી દર્દ ભરી દાસ્તાન

0
12
meetarticle

રાજકોટમાં પત્ની દ્વારા પતિ અને સાસુને ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. છૂટાછેડા માટે 1 કરોડ અથવા મિલકત માંગતી પત્ની સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

‘સોરી બોસ માથા ભારે બૈરું છે મારૂ’ આ ગીત તો સાંભળ્યું હશે અને આનંદ પણ માણ્યો હશે, પણ આ ગીત સાંભળીને ઘણા લોકોને લાગી પણ આવે, કેમ કે ઘણા લોકો માટે આ વરવી વાસ્તવિકતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ તેના પતિ અને સાસુના જીવનમાં ઉથપાથલ મચાવી દીધી છે. આ મહિલાએ સાસરિયાઓ પર અમાનવીય ત્રાસ ગુજાર્યો છે. જેનાથી કંટાળીને બિચારો પતિ પોલીસના શરણે પહોંચ્યો છે.

સામાન્ય રીતે સાસરિયાઓ દ્વારા પરણીતાને ત્રાસ આપવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ રાજકોટમાં ‘ઉલટી ગંગા’ વહેતી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પત્ની દ્વારા પોતાના પતિ અને સાસુને માનસિક ત્રાસ આપી, છૂટાછેડાના બદલામાં કરોડોની મિલકત અથવા રોકડની માંગણી કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં પત્ની વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના એક પાટીદાર યુવકના લગ્ન 14 વર્ષ પહેલાં રાવકી ગામની યુવતી સાથે થયા હતા. સુખદ લગ્નજીવનની આશા રાખનાર પતિને શરૂઆતથી જ પત્નીના આકરા મિજાજનો સામનો કરવો પડ્યો હતો. ફરિયાદી પતિએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ પત્ની વારંવાર નાની-નાની બાબતોમાં ઝઘડા કરી પતિ અને સાસુને માનસિક રીતે ટોર્ચર કરતી હતી.

વિવાદ ત્યારે વકર્યો જ્યારે પત્નીએ છૂટાછેડા માટે આકરી શરતો મૂકી. પત્નીએ ધમકી આપી હતી કે, જો પતિએ છૂટાછેડા લેવા હોય તો તેને રૂપિયા 1 કરોડ રોકડા આપવા પડશે અથવા પરિવારની મિલકતમાં મોટો હિસ્સો તેના નામે કરવો પડશે. આટલું જ નહીં, માંગણી પૂરી ન થાય તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ પતિ અને સાસુને આપવામાં આવી હતી.

પત્નીના સતત વધતા ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે પતિએ કાયદાનો સહારો લીધો છે. ભક્તિનગર પોલીસ દ્વારા પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો હાલ રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, શું હવે પુરૂષોએ પણ ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા મેદાને આવવું પડશે? આ સાથે મહિલાઓ પોતાના રક્ષણ માટે બનાવેલા કાયદાને ઢાલ બનાવીને સાસરિયાઓ પર ત્રાસ ગુજારવાના કિસ્સા સતત વધી રહ્યા હોવાનું પણ પીડિત પુરૂષો જણાવી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here