પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી ઉપર સવારના સમયે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા છતાં પણ તેના ઉપર કાબુ નહીં મેળવાતા અન્ય બોટ કે વહાણને નુકસાન થાય નહી તે માટે વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું હતું.

વહેલી સવારે મૂળ સલાયા તથા હાલ જામનગર રહેતાં આશિફભાઈના ‘હરિદર્શન’ નામના વહાણમાં આગ લાગી તેમાં અંદાજે 950 ટન ચોખા અને મોટી માત્રામાં ખાંડ સહિતનો માલસામાન હોવાનં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. આ વહાણ સોમાલીયા જાય તે પહેલાં બનેલ દુર્ઘટનામાં જોતજોતામાં આગે સમગ્ર વહાણને લપેટમાં લઈ લેતાં દૂર – દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે ચડતા હતાં.આગને બુઝાવવા પોલીસ, ફાયરબ્રિગેડ, કોસ્ટગાર્ડ અને નેવી સહિત સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો અને કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કંટ્રોલ નહીં થતાં અંતે સુરક્ષાના હેતુસર આ વહાણને પોરબંદર ચોપાટી અને ઓલવેધર પોર્ટની વચ્ચે લઈ જવામાં આવ્યું. સળગતા જહાજને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતાં. આગ વધુ ફેલાઈ ગઈ હોવાથી તંત્રએ હથિયાર હેઠા મુકી વહાણને દરિયામાં જ મૂકી દીધું હતું.

