ગુજરાતી સાહિત્યને અમરત્વ પ્રદાન કરનારા સાહિત્યકારોમાં ધૂમકેતુનું નામ દીર્ઘકાલીન અમર રહ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્યના ચરણે 494 ટૂંકી વાર્તાઓ, ચિંતનકણિકાઓ, નવલકથાઓ, નવલિકાઓ, નાટકો, ચરિત્ર ચિત્રણ લખીને સાહિત્યને બળવાન બનાવ્યું છે. આજે તેમનો જન્મદિન છે. તેઓ જન્મ્યા નાનકડાં વીરપુર (જલારામ) ગામમાં પરંતુ કર્મભૂમિ ગોંડલ, જૂનાગઢ અને એ પછી સ્થાયી કર્મભૂમિ અમદાવાદ જ રહી હતી. એમનો જન્મ 12-12-1892માં થયો હતો. એમણે એવું બળવતર સાહિત્ય આપ્યું છે કે તે વિશ્વના તખ્તા પર અમર રહ્યું છે. એમનુ પૂર્ણ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે.ધૂમકેતુએ એમની આખી જિંદગીમાં ફકત પોસ્ટ ઓફિસ વાર્તા લખીને બીજું કશુ જ સાહિત્ય સર્જન ન કર્યુ હોત તો પણ તેઓ અમર બની જાત! એમણે ભૈયાદાદા, ગોવિંદનું ખેતર, લખમી, જેવી અનેક કૃતિઓ આપી છે, જે દરેકમાં એમના પાત્રો માનવીય સંવેદનાઓને ઝંકૃત કરતા જ જોવા મળે છે અને એક ખાસ મેસેજ છોડી જતાં જણાય છે. એમની પોસ્ટ ઓફિસ વાર્તામાં તો એક જ વાક્ય કેટલુ કહી જાય છે ઃ ‘માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જૂએ તો અડધું જગત શાંત થઈ જાય….!’ તેમની તણખા મંડળ ભાગ 1થી 4, છેલ્લો ઝબકારો, આકાશદીપ, અવશેષ, પ્રદીપ, મંગલદીપ, વિનિપાત, જેવી પ્રખ્યાત કૃતિઓ ચૌલા દેવી, વાતાયન, પગદંડી.. ગુર્જરેશ્વર, રાજસન્યાસી, અવંતીનાથ આમ્રપાલી જેવી નવલકથાઓ, ઠંડી ક્રૂરતા, એક લવ્ય, પડઘા જેવા નાટકો, જિબ્રાનની જીવન વાટિકા, હેમચંદ્રાચાર્ય સહિત અનેક સાહિત્ય કૃતિઓ આજે પણ અમર છે.

વાર્તાકેન્દ્ર પોસ્ટ ઓફિસનું ખાનગી માલિકીનું બિલ્ડિંગ આજે પણ ગોંડલમાં હયાત
ધૂમકેતુએ સૌ પ્રથમ ટૂંકી વાર્તા ‘પોસ્ટ ઓફિસ ‘ગોંડલમાં લખી હતી. આ વાર્તામાં કોચમેન અલીડોસાની મરિયમના પત્રની તીવ્ર પ્રતીક્ષા અને પત્ર આગમનની શ્રદ્ધાને બખૂબી લખાયેલી છે. આ વાર્તાનું બીજ- કથાનક જયાં વણાયેલું- લખાયેલું છે એ પોસ્ટ ઓફિસનું ખાનગી માલિકીનું બિલ્ડિંગ આજે પણ ગોંડલમાં હયાત છે, જે રોજ-રોજ પોસ્ટ ઓફિસના રચયિતા ધૂમકેતુ, અલી ડોસા, મરિયમ અને સાહિત્યની અમર કૃતિનેો દસ્તાવેજ બનીને જાણે કે શ્રદ્ધાંજલિ અર્પતુ હોય એમ અવશેષરૂપે ઊભું છે.

