અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને જાહેર વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીનું નામ દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવા (ઉ.વ. ૪૩, રહે. હજાત, અંકલેશ્વર) છે. આ આરોપી અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન, શહેર ‘બી’ ડિવિઝન અને હાંસોટ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના અને ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબના અનેક ગણનાપાત્ર ગુનાઓમાં સંડોવાયેલ છે.
આરોપીની અસામાજિક પ્રવૃત્તિઓ અને તેનાથી જાહેર શાંતિમાં થતા ભંગને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ સમક્ષ પાસા (Prevention of Anti-Social Activities Act) દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને મંજૂર કરી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
પાસા વોરંટના આધારે આરોપી દશરથ ઉર્ફે દશુ વસાવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેને હુકમ મુજબ યોગ્ય પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

