ઊના પંથકના રેવદ ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માવઠાથી મગફળીનો તૈયાર પાક નિષ્ફળ જવાથી ખેડૂતે કૂવામાં પડી આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી છે. ખેતી પાક માટે મંડળીમાંથી લીધેલું બે લાખનું કરજ અને હવે દીકરીના લગ્ન કેમ કરી શકીશ તેવા માનસિક તણાવમાં તેઓએ આ અંતિમ પગલું ભરી લીધું હતું.
રેવદ ગામે રહેતા ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉનડજામે પોતાની નવ વીઘા ખેતીની જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ માટે મંડળીમાંથી બે લાખ રૂપિયાનું કરજ પણ લીધું હતું. મગફળીનો પાક તૈયાર થઈ જતા તેને કાઢવા માટે તેમણે શેઢા પાડોશી હુસેનભાઈ સમા પાસે ખેત ઓજારો માંગ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે થ્રેસરથી મગફળી કાઢવાની તૈયારી કરી રહ્યા હતા એ સમયે જ અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ જતા મગફળીનો સંપૂર્ણ પાક બરબાદ થઈ ગયો હતો. પરિવારની આજીવિકા જ ખેતી પર નિર્ભર હોવાથી તેઓ કુદરતી આફતથી ભાંગી પડયા હતા. આવી માનસિક સ્થિતિમાં ગત તા.૩ના બપોરના ત્રણ વાગ્યા પછી ગાય માટે નિરણ લેવા વાડીએ જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રાત્રિના તેઓ ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ અંગેની જાણ થતાં ગામના લોકો દ્વારા પણ તેમની શોધખોળ શરૂ કરાઈ હતી.

તપાસ કરાતાં તેમની વાડીએ ઓરડીમાંથી ગફારભાઈના બુટ, મોબાઈલ અને શર્ટ મળી આવ્યા હતા, જેથી તેઓ કૂવામાં પડી ગયાની આશંકા વ્યક્ત કરાઈ હતી. શોધખોળના અંતે મૃત્તદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે મૃતક ગફારભાઈના પુત્ર ઉજેફભાઈનું પ્રાથમિક નિવેદન લેતા તેના જણાવ્યા મુજબ માવઠાથી પાકને નુકસાન થતા તે ખૂબ જ ડિપ્રેસનમાં આવી ગયા હતા. હવે મંડળી સહિતનું બધું દેવું કઈ રીતે ભરપાઈ થશે, નજીકના સમયમાં દીકરીનો લગ્નપ્રસંગ હોવાથી તે કેવી રીતે કરીશું તેની સતત ચિંતા કરી રહ્યા હતા. આ ઘટનામાં પીઆઈ રાણાનો સંપર્ક કરાતા હાલ આકસ્મિક મોતની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
3થી 4 ફૂટના પેઢિયા સાથે પોતાને બાંધીને કૂવામાં ઝંપલાવ્યું
કૂવો પાણીથી ભરેલો હોવાથી ગામના સરપંચ ભીખાભાઈ રામજીભાઈ ચંદેરાએ માણસોની મદદથી ત્રણેક જેટલી મોટર મુકાવી પાણી ઉલેચવાનું શરૂ કરાવ્યું હતું. કૂવામાં પાણી ઓછું થતા અંદર મીંદડી નાખવામાં આવતા તેમાં મૃતદેહ ફસાઈ ગયો હતો. તેમણે ૩થી ૪ ફૂટના સિમેન્ટના પેઢીયા સાથે પોતાને બાંધીને કૂવામાં ઝંપલાવી દીધું હશે એટલે ગફારભાઈનો મૃતદેહ પેઢિયા સાથે બંધાયેલી હાલતમાં હતો, જેને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્રણ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી
માવઠાથી પાક નુક્સાનીના આઘાતમાં ગફારભાઈએ જીવન લીલા સંકેલી લેતા ત્રણ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. મોભીના મોતથી પરિવાર નોધારો થઈ ગયો છે. આ ઘટનાથી ગામ અને પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.

