RAJKOT : માધવપુરનાં આંગણે શ્રીકૃષ્ણ સંગ રૂક્ષ્મણીજીના ગાંધર્વ લગ્ન સંપન્ન

0
12
meetarticle

સાગરકાંઠે આવેલા માધવપુરમાં ઠાકોરજીના ત્રણ ફુલેકાંઓ યોજાયા બાદ આજે ભગવાન શ્રીકૃષ્ણ સંગ રૂક્ષ્મણીજીના લગ્ન ગાંધર્વ વિધિથી યોજાયા હતા. આ વેળા લોકોમાં ભારે આનંદ છવાયો હતો. કડછ ગામના લોકોએ મામેરિયાત બનીને  રૂક્ષ્મણીજીના મામેરા પૂર્યા હતા. એ વખતે ભારે ભાવભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

માધવપુરમાં રામનવમીથી ઠાકોરજીનો લગ્નોત્સવ શરૂ થયો છે. આજે ભગવાનની જાનમાં ઊંટ, ઘોડા અને ડી.જેના નાદ સાથે સૌ કોઈ જાનૈયા બનીને નાચતા કુદતાં જોડાયા હતા. ભગવાને નીજમંદિરેથી મધુવનમાં પરણવા પ્રસ્થાન કર્યું એ સમયે ઠાકોરજીને એન્ટિક રથમાં આરૂઢ કરીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. અહી લગ્નોત્સવમાં જુદી જુદી પરંપરાઓ અને રસમો નીભાવવામાં આવી હતી, જેમાં રૂકમૈયાના આક્રમણથી બચવા માટે ભગવાનના રથને દોડાવવામાં આવ્યો હતો. એ વખતે બધા રથની સાથે દોડવા લાગ્યા હતા. કડછ ગામના મહેર સમાજના કડછા સમુદાય મામૈરા પુરવા માટે મામેરિયાત બનીને વાજતે ગાજતે રૂક્ષ્મણીજી મઠે પહોંચ્યા હતા અને ભાવભેર રૂક્ષ્મણીજીના મામેરા પૂર્યા હતા. 

અહી એક એવી પણ રસમ છે કે મામેરિયાઓ સમાચાર આપે કે મામેરા પૂર્યા ત્યારે પિયર પક્ષ જાન પક્ષને કહેવડાવે છે કે મામેરા પુરાઈ ગયા છે. અને રૂક્ષ્મણીજીના સાસરે એટલે કે માધવરાય મંદિરે જઈ જાન લઈ આવવા આમંત્રણ મોકલવામાં આવે એટલે જાન પ્રસ્થાન થાય છે. જાન સૌ પ્રથમ મેળાના ગ્રાઉન્ડમાં પહોંચી હતી અને પ્રભુના રથને મેળાના ગ્રાઉન્ડમાંથી પુરપાટ વેગે રથને દોડાવવામાં આવ્યો હતો. જયારે મધુવનમાં પહોંચી ત્યાર પિયરપક્ષની કન્યાઓએ માથા પર મોતીની હીંઢોણી અને કળશ સાથેે જોડાઈને ભગવાન શ્રીકૃષ્ણ અને જાન, જાનૈયાનું સ્વાગત કર્યુ હતુ. એ પછી ભગવાનને વેદમંત્રો સાથે પ્રોક્ષણ (પોખવાની વિધિ) કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ મંડપમાં ઠાકોરજીને લગ્ન માટે બિરાજમાન કરવામાં આવ્યા હતા. અહી કુલગોર જનકભાઈ પુરોહિતે ભગવાન શ્રીકૃષ્ણના રૂક્ષ્મણીજી સંગ વેદમંત્રો સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરાવ્યા હતા. રાતના સમયે મધુવનમાપરણી ચૂકેલા યુગલ સ્વરૂપ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીને કંસાર જમાડવામાં આવ્યો હતો. આ વખતે બહેનોએ કંસાર સમયના લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. ભાવિકોને કંસાર પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here