તહેવારોમાં સોનુ-ચાંદી અને જ્વેલરી ખરીદવાનું ચલણ હવે જૂનું બનતું જાય છે. લોકો હવે તહેવારો જ નહીં, બલ્કે સામાન્ય દિવસોમાં પણ સ્માર્ટ ફોન્સ અને બીજા ગેઝેટ્સમાં સૌથી વધુ પૈસા ખર્ચે છે. દિવાળીના તહેવારોમાં રાજકોટમાં સ્માર્ટ ફોનની માર્કેટમાં ધૂમ તેજી આવી છે. દરરોજ સરેરાશ ચારેક કરોડના નવા અને એકાદ કરોડના સેકન્ડ હેન્ડ સ્માર્ટ ફોન વેંચાઇ રહ્યાં છે.ગેઝેટ્સની માર્કેટ સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે કે હવે લોકોમાં તહેવારોમાં જવેલરીને બદલે પ્રિમિયમ સ્માર્ટ ફોન્સ અને ગેઝેટ્સમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. આ જ કારણ છે કે હવે મોબાઇલ શો-રૂમના સેલ્સ પર્સનને ગ્રાહકો સમક્ષ મોબાઇલ ફોનને જ્વેલરીની જેમ પ્રેઝન્ટ કરવાની ટ્રેનિંગ કમ સૂચના આપવામાં આવી રહી છે.
બજારમાં હાલ સૌથી વધુ ડિમાન્ડ એઆઇથી સજ્જ સ્માર્ટ ફોન્સની છે, જે હવે આસાનીથી રૂા. ૧૨-૧૫ હજારથી લઇ દોઢ બે લાખ રૂપિયાના પણ મળે છે. પ્રિમિયમ બ્રાન્ડનાં સ્માર્ટ ફોન્સની પણ ખાસ્સી ડિમાન્ડ છે.

એપલની નવી ૧૭ સિરીઝમાં ખાસ કરીને ૧૭ પ્રો મેક્સમાં કલર ઉખડી જાય છે તેવી યુઝર્સની અનેક પોસ્ટ વચ્ચે પણ તેના ક્રેઝમાં કોઇ ફર્ક પડયો નથી. બજારનાં સૂત્રોએ જણાવ્યું કે ખાસ કરીને ૧૭ પ્રો મેક્સ મોડલનાં ફોન હજુ પણ આસાનીથી ઉપલબ્ધ નથી. ઘણાં ગ્રાહકો તેની રાહ જોઇ રહ્યાં છે. સેમસંગનાં ફોલ્ડ સેવનનો પણ યુઝર્સમાં ઘણો ક્રેઝ છે. સ્માર્ટ ફોન્સ બાદ બજારમાં હવે ઓડિયોને લગતા ગેઝેટ્સ અને એક્સેસરીઝ જેવા કે બર્ડસ, નેકબેન્ડ, બ્લુ ટ્રૂથ સ્પીકરની પણ ખૂબ જ ડિમાન્ડ છે.ઘરમાં જેટલા રૂમ હોય તેટલાં સ્માર્ટ ટીવી રાખવાનું ચલણ વધ્યું
હવે સ્માર્ટ ટીવી રૂા. ૭ હજારથી પણ મળતા શરૂ થયા છે, તો રૂા. બે લાખ કે તેથી વધુ કિંમતનાં સ્માર્ટ ટીવી પણ ખપી જાય છે. જાણકાર સૂત્રોએ કહ્યું કે કોરોના પછી ઓટીટી જોવાનું ચલણ વધ્યું છે. હવે કેટલીક મોબાઇલ સર્વીસ પ્રોવાઈડર કંપની સીમ કાર્ડ સાથે ૫૫ કે તેનાંથી વધુ દિવસ સુધી ફ્રી ઈન્ટરનેટ અને ૧૫થી વધુ ઓટીટી સબસ્ક્રીપ્શનની ઓફર કરી રહી છે. હાલ ઓટીટીમાં ફેમિલી સાથે બેસીને જોઈ શકાય તેવાં ‘કન્ટેન્ટ’ આવતા નથી. એટલું જ નહીં, પરિવારનાં દરેક સભ્યની પસંદગી અલગ – અલગ હોય છે. આ જ કારણથી હવે ઘરમાં એક જ ટીવીને બદલે જેટલા રૂમ હોય તેટલા ટીવી તે પણ સ્માર્ટ રાખવાનું ચલણ વધ્યું છે.
- વોઇસ કોલિંગ વખતે નેટવર્ક 4જી પ્લસ પર શિફ્ટ થાય છે
હવે ફાઈવ જી સ્માર્ટ ફોન્સ આવી ગયા છે પરંતુ ઘણાં યુઝરને ખબર નથી કે વોઈસ કોલીંગ વખતે નેટવર્ક ઓટોમેટિક ૪જી પ્લસ ઉપર સ્વિચ ઓવર થઈ જાય છે. આ પ્રક્રિયાને કારણે સ્માર્ટ ફોન વધુ બેટરી કન્ઝમ્પ્શન કરે છે. તેને કારણે ફોન ગરમ થઈ જવાની પણ ફરિયાદો વધે છે. યુઝર્સ હવે સ્માર્ટ ફોનમાં ઈન્ટરનેટનો પણ વધુ જ ઉપયોગ કરે છે. આ બધા કારણથી પાવર બેન્કની ડિમાન્ડ પણ પાછલા કેટલાક સમયથી વધી ગઈ છે. તેમ એક ગેઝેટ શો-રૂમનાં એચઓડી દીપક પોપટે જણાવ્યું હતું.
- રાજકોટમાં રૂા. 3.25 લાખનાં સૌથી મોંઘો વેંચાય, ખરીદાર છે
દુનિયામાં સૌથી મોંઘો ફોન વર્તુ કંપની બનાવે છે. રાજકોટમાં આ કંપનીનાં રૂા. ૩.૨૫ લાખની શરૂ થતાં ફોન વેંચાય છે અને તેના ખરીદાર પણ છે. આ કંપનીનાં ફોન કસ્ટમાઈઝ હોય છે. તે રૂા. ૩ લાખથી લઈ રૂા. ૨૦ લાખ સુધીમાં મળે છે, જે શ્રીમંતો માટે ફેવરિટ અને સ્ટેટસ સિમ્બોલ છે. આ ફોનમાં સીમ કાર્ડ ટ્રે ઉપર ટેકનિકલ પર્સન એટલે કે ફોન બનાવનારની સિગ્નેચર હોય છે. ગોલ્ડ પ્લેટેડ આઈફોન – ૧૭ પ્રો મેકસ પણ સ્ટેટસ સિમ્બોલ માટે ખરીદાય છે.
- 50થી 60 ટકા ગેઝેટ ઈએમઆઈ પર વેચે છે
અનેક રાજકોટવાસીઓ દેવું કરીને પણ ઘી પીવામાં માનતા હોય તેમ સ્માર્ટ ફોન્સ અને ગેઝેટ ઈએમઆઈ પર મોટાપાયે ખરીદ કરે છે. જાણકાર વર્તુળોએ કહ્યું કે જેટલા સ્માર્ટ ફોન અને ગેઝેટસ વેંચાય છે તેમાંથી ૫૦થી ૬૦ ટકા ક્રેડિટ કાર્ડ કે પેપર ફાયનાન્સ ઉપર વેંચાય છે. આ જ કારણથી મોબાઈલના શો-રૂમ ખાતે પેપર ફાઈનાન્સ કંપનીના સ્ટાફનો જમાવડો રહે છે.

