રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં શ્રીમતી આર. આર. પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સાત દિવસીય ખાસ કેમ્પના ભાગરૂપે આગામી બુધવારે ભારત જન વિજ્ઞાન જાથાનો ભવ્ય લોકજાગૃતિ કાર્યક્રમ યોજાનાર છે. ‘ચમત્કારોથી ચેતો’ ના શીર્ષક હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં અંધશ્રદ્ધા અને પાખંડ સામે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અપીલ કરાશે.

આગામી તા. ૩૧મી ડિસેમ્બરના રોજ રાત્રિના ૮ કલાકે કેમ્પના સમિયાણામાં વિજ્ઞાન જાથાનો ૧૦,૦૭૧મો ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. વિજ્ઞાન જાથાના ચેરમેન અને જાણીતા તર્કશાસ્ત્રી જયંત પંડ્યા પોતાના ધારદાર વક્તવ્ય દ્વારા લોકોને ભ્રમણાઓમાંથી મુક્ત થવા માર્ગદર્શન આપશે. કાર્યક્રમનું ઉદઘાટન કોલેજના પ્રિન્સિપાલ એમ. એલ. બાલધા અને ગામના અગ્રણીઓની હાજરીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે.
જાથાના કાર્યકરો દ્વારા વિવિધ પ્રયોગોનું જીવંત નિદર્શન કરવામાં આવશે, જેમાં, હાથમાંથી કંકુ-ભસ્મ અને લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું અને શ્રીફળનું આપોઆપ ફરવું, ધૂણવું, સવારી આવવી અને કર્ણપિશાચ વિદ્યા જેવી ડિંડકલીલાનો પર્દાફાશ, એકના ડબલ કરવા અને હઝરત જોવા જેવી છેતરપિંડી પાછળની ટ્રીક્સ.
આ તમામ પ્રયોગો પાછળ રહેલા વિજ્ઞાન અને હાથચાલાકીની કળા લોકોને પ્રત્યક્ષ શીખવવામાં આવશે જેથી કોઈ છેતરાય નહીં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સહયોગથી યોજાનારા આ કેમ્પમાં શિબીરાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પ લીડર ચાર્મી વોરા સહિતની ટીમ અને જાથાના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

