RAJKOT : લાંબા ગામે રહેતા કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી

0
53
meetarticle

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા એક યુવાનને કેન્સરની ગંભીર બીમારી હોય, તેના મૃત્યુ પછી સંતાનોનું શું થશે? તે ચિંતામાં પત્ની મજૂરી કામે ગયા બાદ પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા પી લેતા ત્રણે’યનું અરેરાટીજનક મૃત્યુ નિપજ્યું હતું.


આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા નામના યુવાનને છેલ્લા આશરે પાંચેક વર્ષથી મોઢાના કેન્સરની બીમારી હતી. હાલ આ બીમારી અંતિમ સ્ટેજમાં હોય અને ગમે તે સમયે મૃત્યુ થવાનું મનમાં ભમ્યા કરતું હોવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી વ્યથિત રહેતા હતા. ઉપરાંત તેમના મૃત્યુ પછી બાળકોનું શું થશે. તેવા વિચારો આવતા હતા. આ પરિસ્થિતિમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે પત્ની મંજૂરી કામ કરવા ગયા બાદ તેમણે તેમની પાંચ વર્ષની પુત્રી ખુશી અને ત્રણ વર્ષના પુત્ર માધવને ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ પછી મેરામણભાઈએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા બંને સંતાનો સાથે પિતા મેરામણભાઈ ચેતરીયાનું પણ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક યુવકની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. બાદમાં તેમણે બીજા લગ્ન કર્યા હતા.

આ સમગ્ર ઘટના સંદર્ભે દ્વારકા સર્કલના ડીવાય.એસ.પી. સાગર રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવા તેમજ એફએસએલ તપાસ સહિતની કાર્યવાહી કરી હતી.

બાદમાં બનાવ અંગે લાંબા ગામે રહેતા સંબંધી પબાભાઈ સામતભાઈ ચેતરીયા (ઉ.વ. ૪૦)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પુત્રી તેમજ પુત્રની હત્યા નિપજાવીને પોતે પણ ઝેરી દવા પી લેવા સબબ મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. ટી.સી પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે નાના એવા લાંબા ગામે તેમજ મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here