ઊનાના લાઈબ્રેરી ચોકમાં એક દુકાનના વખારની નવી ચણેલી દસ ફૂટ ઊંચી દીવાલ અચાનક તૂટી પડતા બે મજૂરના મોત થયા હતા. કાટમાળ ટ્રેકટરમાં ભરી રહ્યા હતા ત્યારે બંને દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

શહેરના લાઈબ્રેરી ચોકમાં ઈમ્તિયાઝભાઈ વોરાની દુકાનની વખાર આવેલી છે. તેઓએ વખારની દીવાલ ચણવાનું કામ અરજણભાઈ ડેશરવાળાને આપ્યું હતું, જેમાં મજૂરી કામ કરવા મુસ્તાકભાઈ અબ્દુલભાઈ કરીમ નરપાલી (ઉ.વ.૪૦,મૂળ જાફરાબાદ હાલ તાઈવાડા, ઊના), ઈરફાનભાઈ હાજીભાઈ મન્સૂરી (ઉ.વ.૩૫, પટેલ કોલોની, ઊના) સહિતના મજૂરો આવ્યા હતા. મજૂરોએ દસ ફૂટ ઊંચી દીવાલ ચણી હતી. સાંજના સમયે કાટમાળ સહિતનો કચરો ટ્રેકટરમાં ભરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ તૂટી પડતા મુસ્તાકભાઈ અને ઈરફાનભાઈ તેની નીચે દટાઈ ગયા હતા. દીવાલ તૂટવાથી જોરદાર ધડાકો થતા આસપાસના લોકોએ દોડી આવી બંને મજૂરોને મહામહેનતે બહાર કાઢી બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મુસ્કતાભાઈ અને ઇરફાનભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર હોસ્પિટલે પહોંચી જતા કલ્પાંતભર્યાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ઘરના કમાનાર મુખ્ય વ્યક્તિઓના અવસાનથી પરિવારજનો ભાંગી પડયા હતા.

