ધોરાજીના ગેલેક્સી ચોકથી જમનાવડ સુધીનો રૂા.૪.૧૫ કરોડથી વધુના ખર્ચે બનેલો સીસી રોડ લોકાર્પણના માત્ર ૧૫ દિવસમાં જ તૂટવા લાગતા રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસે માર્ગ અને મકાન વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને આગામી તા.૧૮મી સુધીમાં સીસી રોડ ફરીથી નવો બનાવવામાં નહીં આવે તો જાતે જ તેને ખોદી નાખશે, એવી ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્રને દોડધામ થવા સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે. બીજી તરફ આર એન્ડ બી વિભાગે કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારીને ખુલાસો રજૂ કરવા અને ત્વરિત રીપેરિંગ સહિતની કામગીરી કરવા આદેશ કર્યો છે.ધોરાજીમાં ગેલેક્સી ચોકથી જમનાવડ સુધીનો રોડ બિસ્માર બની ગયો હોવાની વારંવારની રજૂઆતોના અંતે ગત દિવાળી સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડીને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા.૪,૧૫,૮૯,૪૯૦ના ખર્ચે ૩.૯ કિ.મી.માં સીસી રોડ અને જરૂરી રિસર્ફેસીંગની કામગીરી દ્વારકેશ કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપવામાં આવી હતી. બાદમાં ફક્ત ત્રણ મહિનામાં જ કોન્ટ્રાક્ટર એજન્સીએ સીસી રોડ બનાવી નાખ્યો હતો, જેમાં નબળા કામની ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોવા છતાં આશ્ચર્યજનક રીતે જ ૧૫ દિવસ પહેલા ધારાસભ્ય કે અન્ય નેતાઓએ લોકાર્પણનો જશ ખાટવાને બદલે કોઈ કાર્યક્રમ વગર જ નવનિર્મિત રોડ ખુલ્લો મુકી દીધો હતો.

જો કે, એક સપ્તાહ બાદ જ નવા સીસી રોડમાં મોટી તિરાડો અને ખાડા પડવા લાગતા રાહદારીઓમાં રોષભેર ટીખ્ખળો થવા લાગી હતી. રોડ પરથી કાંકરીઓ ઉખડવા લાગતા કામની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થયા હતા. જેથી સ્થાનિક જાગૃત આગેવાનોએ થોડા દિવસો પહેલા અવાજ ઉઠાવ્યા બાદ આખરે હવે વિપક્ષ કોંગ્રેસ પણ મેદાને આવી છે. તાત્કાલિક વિવાદિત રોડને સારી ગુણવત્તા સાથે ફરીથી બનાવવામાં નહીં આવે, તો ૧૮મી માર્ચના રોજ કોંગ્રેસના કાર્યકરો સાથે મળી મશીનરી લાવી આ રોડ ખોદી નાખવામાં આવશે. બીજી તરફ રાજકોટ આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઈજનેર સુરેશ પટેલે જણાવ્યું કે, હજુ સુધી આ રોડ બાબતે કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ વિવાદ ધ્યાને આવતા તપાસ શરૂ કરાવી છે અને દ્વારકેશ કન્સ્ટ્રક્શન એજન્સીને પણ નોટિસ ફટકારીને વિવાદિત રોડમાં થયેલી ભાંગતૂટનું કારણ આપવા અને ત્વરીત યોગ્ય રીપેરીંગ કરી આપવા સુચના આપવામાં આવી છે.

