માલવિયાનગર સોસાયટીમાં બ્લોક નં. 57માં રહેતા હર્ષાબેન હિરાલાલ વાધર (ઉ.વ. 83)ના મકાનમાંથી કેરટેકર તરીકે કામ કરતી ભાવના રમેશભાઈ ભૂત (રહે. ન્યારા)એ સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 11.20 લાખની મત્તાની ચોરી કર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાંચે ભાવનાને સકંજામાં લઇ પૂછપરછ જારી રાખી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હર્ષાબેનનો પુત્ર ધિરેન (ઉ.વ. 54) પ્રદ્યુમનગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં રહે છે. ગોંડલ રોડ પર ગ્લોટેક સ્ટીલ નામે ભઠ્ઠીનું કારખાનુ ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે 2022માં તેના પિતાનું અવસાન થયું હતું. તેના માતા માલવિયાનગર સોસાયટીમાં ઘણા સમયથી એકલા રહે છે. જેથી તેણે તેની સારસંભાળ માટે એક એજન્સી મારફત ભાવનાને કેરટેકર તરીકે રાખી હતી.જેના બદલામા દરરોજ તેને રૂ. 1400 ચૂકવતા હતાં. ભાવના તેની માતાની રાત-દિવસ સેવા ચાકરી કરતી હતી. ગઇ તા. 31નાં રોજ તેની માતાએ કહ્યું કે હવે મારે કેરટેકરની જરૂર નથી. જેથી એજન્સીને જણાવી ભાવનાને છૂટી કરી દીધી હતી. ગઇ તા. 2નાં રોજ મિત્ર કિશોર બાબીયા સાથે માતાની ખબર અંતર પૂછવા ગયા હતા. તે વખતે તેની માતાએ કહ્યું કે કબાટમાં કિમતી વસ્તુ છે, જે મેં ઘણા સમયથી જોઇ નથી, તમે ચેક કરી અને પછી આ બધી વસ્તુ બેન્કના લોકરમાં મૂકી આવો.
જેથી તેણે કબાટ ચેક કરતાં તેમાંથી કાંઇ મળ્યું ન હતું. આ વખતે તેની માતાએ કહ્યું કે મેં બધી વસ્તુ કબાટની અંદર જ રાખી હતી. તપાસ કરતાં સોનાની ઘડીયાળનો બેલ્ટ, સોનાનું ડોકીયુ, સોનાની નાકની ચૂક, સોનાનો ઓમકાર, સોનાની મઢેલી મોતીની માળા અને રૂ. 3 લાખ ગાયબ હતાં. પરિણામે ભાવના ઉપર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. પરંતુ સરખો જવાબ આપ્યો ન હતો.
વધારે સખ્તાઇથી પૂછપરછ કરતાં ચોરી કબૂલી લીધી હતી. એટલું જ નહીં સોનાના દાગીના અને રોકડ અલગ-અલગ સમયે લઇ ગયાનું જણાવ્યું હતું. જે હાલ ક્યા છે તે બાબતે સરખો જવાબ આપતી ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેરટેકર તરીકે કામ કરવા દ મિયાન સોનાના દાગીના અને રોકડ રકમ જોઇ દાનત બગડતા ભાવનાએ ચોરી કર્યાનું ક્રાઇમ બ્રાંચને જાણવા મળ્યું છે.

