વેરાવળ-કોડીનાર રોડ તરફના રસ્તામાં હિરણ નદીના પૂલ પાસે ભારે વરસાદ દરમિયાન ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જતાં ફાયર બ્રિગેડ જવાનોએ રેસ્ક્યૂ કરી ૩૦ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી સરકારી સીમશાળામાં આશ્રય આપ્યો છે.

ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદનાં કારણે ફૂટપાથ પર અને કાચા ઝૂંપડામાં રહેતા લોકોને ભારે અસર થઇ છે. આજે ફાયર સ્ટાફે ૮ પરિવારના ૩૦ લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે સીમશાળામાં ખસેડયા છે.
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ક્ષાર નિયંત્રણ માટે બનાવેલા ડેમનો દરવાજો વરસાદ સમયે જ ન ખુલતાં આસપાસની ૨૦૦૦ વીઘા જમીનમાં પાણી ધસી જતાં ખેતરો તળાવોમાં તબદિલ થઇ ગયા હતા. ખેડૂતોના ઉભા મોલનો નાશ થઇ ગયો હતો.
છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે વેરાવળ તાલુકાના સવની, મીઠાપુર, તાલાલા તાલુકાના રમળેચી, જેપુર, વીરપુર ધાવા, મોરૂકા, ઉના તાલુકાના ઉના-ગીરગઢડા-જામવાળા સીમાસી, કાણકીયા, ઝાંઝરિયા રોડને બંધ કરાયા છે.
– ચાર દિવસમાં સુત્રાપાડામાં ૧૮, વેરાવળમાં ૧૦ ઇંચ
વેરાવળઃ વેરાવળ- સુત્રાપાડા તાલુકામાં જાણે કે ફરી ચોમાસુ બેઠું હોય તેમ કમોસમી વરસાદે નુકસાની વેરી છે. તા. ૨૫થી તા. ૨૮ સુધીમાં ચાર દિવસમાં સુત્રાપાડામાં ૧૮ ઇંચ અને વેરાવળ પંથકમાં દસ ઇંચ વરસાદ પડી જતાં ખેતી પાક નષ્ટ થઇ ગયો છે. છેલ્લા ૪ દિવસમાં ગીર ગઢડા તાલુકામાં ૧૫૫, કોડીનાર ૨૧૭, સુત્રાપાડા તાલુકામાં ૩૮૪, તાલાલા તાલુકામાં ૧૫૫, ઉના તાલુકામાં ૨૬૫ અને વેરાવળ તાલુકામાં ૨૪૬ મીમી વરસાદ પડી ગયો છે.

