RAJKOT : વેલેન્ટાઇન-ડે પર ગુલાબના ભાવમાં અધધ વધારો

0
19
meetarticle

Rajkot News: રાજકોટમાં વેલેન્ટાઇન-ડે પર ગુલાબના ભાવ 70 રૂપિયાએ પહોંચ્યા છે. લગ્નગાળો અને વેલેન્ટાઇન ડેને કારણે ફૂલોની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. જાણો ચોકલેટ અને જીપ્સી ફ્લાવરના ભાવ.

આજે 14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો પર્વ ‘વેલેન્ટાઇન-ડે’. રંગીલા રાજકોટમાં યુવા હૈયાઓમાં આ દિવસની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વર્ષે પ્રેમની અભિવ્યક્તિ મોંઘી સાબિત થઈ રહી છે. એક તરફ લગ્નગાળો અને બીજી તરફ વેલેન્ટાઇન-ડે હોવાથી ફૂલોના બજારમાં તેજી જોવા મળી રહી છે અને ગુલાબ સહિતના ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે.

સામાન્ય દિવસોમાં જે ગુલાબ રૂપિયા 25 થી રૂપિયા 30માં મળતું હતું, તેનો ભાવ આજે સીધો રૂપિયા 60 થી રૂપિયા 70 પર પહોંચી ગયો છે. બજારમાં ખાસ કરીને રેડ, પિન્ક, ઓરેન્જ અને યલ્લો ગુલાબની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. યુવાઓ પોતાના પ્રિયપાત્રને ફૂલો આપી પ્રેમ વ્યક્ત કરવા માટે વહેલી સવારથી જ ફૂલ બજારમાં ઉમટી પડ્યા છે.

બુકે અને ગિફ્ટ આઈટમ્સના ભાવ પર એક નજર
બજારમાં માત્ર છૂટા ફૂલો જ નહીં, પણ આકર્ષક બુકેના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

ગુલાબનો બુકે: રૂપિયા 400 થી રૂપિયા 1000
ચોકલેટ બુકે: રૂપિયા 400 થી રૂપિયા 2000
જીપ્સી ફ્લાવર: રૂપિયા 700 થી રૂપિયા 800 (પ્રતિ બંચ)

ફૂલ વિક્રેતાઓના જણાવ્યા અનુસાર, અત્યારે લગ્નની સિઝન પણ પૂરબહારમાં ચાલી રહી હોવાથી મંડપ ડેકોરેશન અને વરમાળા માટે ફૂલોની ભારે અછત સર્જાઈ છે. આ બેવડી અસરને કારણે ફૂલોના ભાવમાં ડબલથી પણ વધુ વધારો ઝીંકાયો છે. મોંઘવારી છતાં પણ પ્રેમી પંખીડાઓ પોતાની પસંદગીના ફૂલો અને ચોકલેટ બુકે ખરીદીને આ દિવસને ખાસ બનાવી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here