RAJKOT : વોલીબોલ રમતાં રમતાં ઢળી પડેલા ધો. 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો

0
31
meetarticle

રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા બનાવોએ વધુ એક આશાસ્પદ જિંદગી છીનવી લીધી છે. શહેરના કાલાવડ રોડ પર રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રવિવારે સ્કૂલમાં વોલીબોલ રમતી વખતે અચાનક ઢળી પડવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું મનાય છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થી આલમ અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની પાછળ આવેલા ‘સેલેનિયમ હેરીટેજ’ બિલ્ડિંગમાં રહેતા આદિત્ય આકાશભાઈ વાછાણી (ઉં.વ. 18) શહેરના આકાશવાણી ચોક નજીક આવેલી એસએનકે સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રવિવારે (24 નવેમ્બર) રજા હોવાથી આદિત્ય પોતાના મિત્રો સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા ગયો હતો. રમત ચાલુ હતી ત્યારે અચાનક આદિત્ય બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો.

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્વાસ થંભી ગયા આદિત્ય અચાનક ઢળી પડતા તેના મિત્રો અને સ્કૂલનો સ્ટાફ ગભરાઈ ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક આદિત્યના પિતા આકાશભાઈ મેટોડા જીઆઈડીસીમાં કારખાનું ધરાવે છે. આદિત્ય પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. જુવાનજોધ દીકરાના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર આદિત્યને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. જોકે, યુવાન વયે હાર્ટ એટેકના આ બનાવને લઈને ગાંધીગ્રામ-2 પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here