ભાયાવદરમાં અને રાજકોટનાં પ્રહલાદ પ્લોટમાં રહેતાં ઉદયભાઈ હર્ષદરાય શાહ (ઉ.વ.૬૧)એ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરને વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કરવા જઈ રહ્યાનો વોટસએપ મેસેજ કર્યો હતો. જેનાથી પોલીસ હરકતમાં આવી હતી અને મોબાઈલ લોકેશનના આધારે તેમને સુરતના મહીધરપુરા પોલીસ મથકની હદમાંથી શોધી કાઢયા બાદ નાઈન ફાઈનાન્સ નામની પેઢી ધરાવતાં ભાયાવદરનાં વ્યાજખોર વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા વિરૂધ્ધ આર્મ્સ એકટ, વ્યાજખોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સિનિયર સિટીઝન ઉદયભાઈએ ર૦ર૦માં આરોપી પાસેથી રૂા. બે લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં અત્યાર સુધી રૂા.પ.૮૦ લાખ ચુકવી દીધા હતા. ત્યાર પછી હિસાબ કરવા જતાં આરોપીએ રૂા.૧૦ લાખની ઉઘરાણી કાઢી હતી. એટલું જ નહીં તેમને હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી નહીં અટકતાં ઉદયભાઈના ભાયાવદરમાં આવેલા અંદાજે રૂા.પ કરોડની કિંમતના ૧૮ વીઘાના ખેતર પર કબજો જમાવી દીધો હતો.
ખેતરની દેખરેખ માટે પોતાના માણસો ગોઠવી દીધા હતા. સાથોસાથ ખેતર પોતાનું છે તેવું બોર્ડ પણ મારી દીધું હતું. તેણે ઉદયભાઈને જો પૈસા નહીં આપે તો તેમના બીજા પ્લોટ અને મકાન પણ પડાવી લેવાની ધમકી આપી હતી. જેને કારણે નાસીપાસ થઈ જઈ ઉદયભાઈએ આત્મહત્યાનો નિર્ધાર કર્યો હતો. તે પહેલાં એસપીને મેસેજ કર્યો હતો.
ભાયાવદર પોલીસે આરોપીની ધરપકડ કરી તેના કબજામાં રહેલું ઉદયભાઈનું ખેતર તેમને પરત અપાવ્યું હતું. આરોપી રાજકોટમાં પણ કામકાજ ધરાવે છે. પોલીસે તેને હવે ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી વધુ પુરાવા એકત્રિત કરવા તપાસનો દોર જારી રાખ્યો છે.
– આરોપી વિરૂધ્ધ રાજકોટમાં જ વ્યાજખોરીના બે ગુના નોંધાયા હતા
આરોપી વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ સામે રાજકોટના બી-ડિવીઝન અને તાલુકા પોલીસ મથકમાં ર૦ર૩ની સાલમાં વ્યાજખોરીના બે ગુના નોંધાયા હતા. ર૦૧૩ની સાલમાં તેના વિરૂધ્ધ ભાયાવદર પોલીસ મથકમાં જુગારનો ગુનો નોંધાયો હતો. આ રીતે અત્યાર સુધી ત્રણ ગુના નોંધાયા છે. હવે રહી-રહીને જાગેલી પોલીસે તેણે જો કોઈની પાસે ગેરકાયદે રીતે વ્યાજ વટાવની ઉઘરાણી કરી હોય કે કોઈની સ્થાવર કે જંગમ મિલ્કત પર ગેરકાયદે કબજો જમાવ્યો હોય તો ભાયાવદર પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. એટલું જ નહીં રાજકોટ જિલ્લામાં વ્યાજખોરી, લુખ્ખાગીરી કે નશીલા પદાર્થ બાબતે માહીતી આપવા માટે રૂરલ પોલીસના કંટ્રોલરૂમ ઉપર સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે.
– વ્યાજખોરો વિરૂધ્ધ લોક દરબાર છતાં પરિસ્થિતિ સુધરી નથી
રાજયભરમાં વ્યાજખોરો વિરૂધ્ધ મોટાપાયે લોક દરબાર યોજાયા હતા. આમ છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યાનું ફલિત થઈ રહ્યું છે. આ સ્થિતિમાં પોલીસે વ્યાજખોરો વિરૂધ્ધ ફરીથી ઝુંબેશ શરૂ કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

