નવા થોરાળાની રામનગર સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દુ ટીટીયા (ઉ.વ.૩૭)એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. થોરાળા પોલીસે તેની ફરિયાદના આધારે જેકી ઠક્કર, સંજય વ્યાસ અને હાર્દિક મોલિયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં ઇન્દ્રજીતે જણાવ્યું છે કે તેણે બીએ સુધી અભ્યાસ કર્યો છે. ત્રણ મહિના પહેલા મકાનનો હપ્તો ભરવા, પૈસાની જરૂર પડતાં હુડકો પોલીસ ચોકી સામે આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા જેકીનો સંપર્ક કર્યો હતો. તેની પાસેથી રૂા. ૫૦ હજાર વ્યાજે લીધા હતા. બદલામાં દર ૧૦ દિવસે રૂા. ૩૦૦૦નું વ્યાજ આપવાનું નક્કી થયું હતું.
તે સમયસર વ્યાજ ચૂકવતો હતો. એકાદ મહિના પહેલા વધુ રૂપિયાની જરૂર પડતાં રૂા. ૧.૫૦ લાખ વ્યાજે લીધા હતાં. તે વખતે જેકીએ અગાઉના અને હાલનાં મળી કુલ રૂા. ૨ લાખ ઉપર દર ૧૫ દિવસે રૂા. ૧૦ હજાર વ્યાજ આપવાનું કહ્યું હતું. તેણે કટકે-કટકે રૂા. ત્રણેક લાખ આપી દીધા હતાં. આમ છતાં જેકી ફોન પર અને રૂબરૂ રૂા. ૩.૪૦ લાખની માગણી કરતો હતો.
સાથોસાથ ધમકી પણ આપતો હતો. તેનો માણસ સંજય પણ અવારનવાર ઘરે અને ફોન પર પઠાણી ઉઘરાણી કરતો હતો. આ જ રીતે હાર્દિક પણ ગાળો ભાંડી ધમકી આપતો હતો. આખરે આ ત્રણેયના ત્રાસથી ગઇ તા. ૨ના રોજ સાંજે ફીનાઇલ પી લીધું હતું. જેને કારણે તબિયત બગડતા સિવિલમાં ખસેડાયો હતો. સારવાર મુક્ત થયા બાદ ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી.

