RAJKOT : વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું

0
10
meetarticle

બેડી ચોકડી નજીક સેટેલાઇટ ચોક પાસે આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા અને મજૂરી કરતાં ધર્મેશભાઈ પ્રકાશભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૨૮)ને વ્યાજે આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરી સાતેક આરોપીઓએ મારકૂટ કરી, ગોંધી રાખી, હથિયાર બતાવી ધમકી આપ્યાની અને બળજબરીથી ફલેટના સાટાખત કરાવી લીધાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

ફરિયાદમાં ધર્મેશભાઈએ જણાવ્યું છે કે અગાઉ સ્પીડવેલ ચોક પાસે રહેતા ત્યારે પોતાની કાર રિપેરિંગ માટે જતા ત્યારે મિસ્ટર મેક ડ્રાઇવ ગેરેજના પ્રશાંત તરાવિયા સાથે મિત્રતા થઇ હતી. એક દિવસ તેને ધંધાના કામ માટે પૈસાની જરૂરિયાત છે તેમ કહેતા તેણે હા પાડી રૂા. ૩ લાખ ૫ ટકા વ્યાજે આપ્યા હતાં.બદલામાં તેણે પોતાની કાર અને બે ચેક પ્રશાંતને આપ્યા હતાં. એકાદ માસ બાદ પ્રશાંતે કોલ કરી ઉઘરાણી કરી હતી. એટલું જ નહીં વ્યાજની રકમ પણ વધારીને કહ્યું હતું. દરરોજ તેની પાસે ઉઘરાણી કરતો હોવાથી તેણે રૂા. ૧ લાખ ઓનલાઇન આપી દીધા હતાં. આ પછી પણ મુદલ અને વ્યાજની ઉઘરાણી કરી દબાણ કરતો હતો. ગઇ તા. ૬ ડીસેમ્બરના રોજ તે સહકાર મેઇન રોડ પર વિનાયક એવન્યુ ખાતે હતો ત્યારે પ્રશાંતના ગેરેજમાં કામ કરતા યશ લીંબાસિયા અને કરણ પેથાણીએ આવી પ્રશાંતના પિતા ગેરેજે બોલાવતા હોવાનું કહ્યું હતું.

આ વખતે તેને પત્નીને તેડવા શાપર જવાનું હતું. આમ છતાં તેને દબાણ કરી ગેરેજે લઇ ગયા હતા. જ્યાં પ્રશાંતના પિતા શૈલેષભાઈ આવી પહોંચ્યા હતા. જેણે ઉઘરાણી કરતાં કહ્યું કે હાલ તેની પાસે રૂપિયા નથી, બે મહિનામાં આપી દેશે. જેથી પ્રશાંત અને તેના પિતાએ કહ્યું કે આટલો બધો સમય ન ચાલે, અત્યારે જ પૈસા આપવા પડશે. જો પૈસા ન હોય તો તેના ફલેટનું સાટાખત કરી આપવાનું કહ્યું હતું.તેણે ના પાડતા તેને મારકૂટ કરી સાટાખત કરાવવા ધાક ધમકીથી બાઇકમાં બેસાડી મવડી ચોકડી પાસે આવેલી વકીલની ઓફિસે લઇ ગયા હતાં. જ્યાં બળજબરીથી નાગેશ્વરમાં સુમુતિ સાનિધ્ય-૨માં આવેલા તેના ફલેટનું રૂા. ૩.૫૦ લાખમાં સાટાખત કરાવી લીધું હતું. આ પછી તેને ગેરેજે લઇ ગયા હતાં. જ્યાં થોડીવારમાં પ્રશાંતના મિત્રો સાહીલ ગાજીપરા, પ્રભાત આહીર અને બે અજાણ્યા શખ્સો વર્ના કારમાં આવી પહોંચ્યા હતા. આવીને તેને મારકૂટ કરી હતી. થોડીવાર બાદ આ ચારેય જતા રહ્યા હતાં. ત્યાર પછી વર્ના કારમાં યશ ખૂંટ આવ્યો હતો. આ પછી ફરીથી તેને ત્યાં હાજર આરોપીઓએ મારકૂટ કરી હતી. એટલું જ નહીં યશ ખૂંટે વર્ના કારમાંથી રિવોલ્વર જેવું હથિયાર કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેને બેફામ ગાળો પણ ભાંડી હતી.

આજીજી કરતાં આખરે રાત્રે જવા દીધો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાધાનની વાતચીત ચાલતી હતી પરંતુ તેને સમાધાન કરવું ન હોવાથી આખરે ગઇકાલે આરોપી પ્રશાંત, તેના પિતા, કરણ પેથાણી, યશ લીંબાસીયા, સાહીલ ગાજીપરા, પ્રભાત આહીર, યશ ખૂંટ વગેરે સામે આર્મ્સ એક્ટ અને નાણા ધીરધાર સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here