તાલાલા તાલુકાનાં રસુલપરા ગીર ગામે પેટીયું રળવા આવેલ પરપ્રાંતિય શ્રમજીવી ઉપર દીપડાએ હુમલો કરી ફાડી ખાતા મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સીમ વિસ્તારમાં કામ કરતા શ્રમજીવીઓ તથા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. શ્રમિક સવારે કુદરતી હાજતે જતા શેરીડીની વાડમાં છુપાયેલો દીપડો તેના પર ત્રાટક્યો હતો.

રસુલપરા ગીર ગામના ખેડૂત છગનભાઇ નાથાભાઇ માથુકીયાની વાડીમાં શેરડી કટાઇની કામગીરી માટે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદ ગામેથી પેટીયું રળવા આવેલ પરપ્રાંતિય શ્રમજીવીઓ રહેતા હતા. આજે સવારે નાનસિંહભાઇ વિક્રમભાઇ પાડવી (ઉ.વ.૫૨) સવારે ૬:૩૦ વાગ્યા આસપાસ કુદરતી હાજતે ગયા હતા. ત્યારે શેરડીના વાડમાં છુપાઇને બેઠેલા દીપડાએ નાનસિંગભાઇ ઉપર છલાંગ લગાવી હુમલો કર્યો હતો. હુમલો કરી દીપડો નાનસિંગભાઇને ગળાના ભાગેથી પકડી શેરડીની વાડમાં અંદર ૫૦મીટર દૂર ઢસડી ગયો હતો. દીપડો શ્રમજીવીના મોઢાનો ભાગ ખાઇ ગયો હતો. આ બનાવની જાણ ગ્રામજનોએ વનવિભાગી કચેરીને કરતા તાલાલા આર.એફ.ઓ. ધવલભાઇ વઘાસિયા તથા ટ્રેકર ટીમ તુરંત બનાવનાં સ્થળે દોડી જઇ મૃતક શ્રમજીવીનો મૃતદેહ પી.એમ. માટે તાલાલા હોસ્પિટલે ખસેડયો હતો.માનવભક્ષી બનેલા દીપડાને ઝડપી લેવા વનવિભાગે મારણ રાખી પાંજરા ગોઠવ્યાં હતા. અને મારણ ખાવા આવેલ દીપડો પાંજરામાં પુરાઇ ગયો હતો. દીપડાની ઉંમર અંદાજે નવ વર્ષની છે. તેને સાસણ ગીર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

