જૂનાગઢ મનપાએ કરોડોનું આંધણ કર્યું તેમાં અનેક નિર્ણયોને લીધે સુવિધા વધવાને બદલે ઉલ્ટાની મુશ્કેલીઓ ઉભી થાય તેમ બન્યું છે. હાલમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ પૂર્ણતાના આરે હોવાથી તેને ખુલ્લું મુકવાની તૈયારી ચાલી રહી છે પણ થયું એવું કે, સરોવર ખાલી થવા લાગતા તેને ભરવા ઉધામા શરૂ કરવા પડયા છે.

સરોવરમાંથી કૂવા ભરાય પરંતુ સરોવરને ભરવા કૂવાનું પાણી લેવાની ફરજ પડી છે. આવું કદાચ આ સિવાય ગુજરાત કે દેશમાં ક્યાંય હશે નહી છતાં પણ મુખ્યમંત્રી આવી તેનું ઉદ્દઘાટન કરશે.જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 60 કરોડથી વધુના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રીના હસ્તે સરોવરને ખુલ્લું મુકવાની તજવીજ ચાલી રહી છે. બ્યુટીફિકેશન કરવામાં આવ્યું તે પહેલા કુદરતી રીતે તે સારૂ અને લાઈનલેવલે હતું પણ બ્યુટીફિકેશન માટે કરવામાં આવેલા અધધ ખર્ચ બાદ તળાવનું લાઈન લેવલ વિખાઈ ગયું છે. સામાન્ય રીતે તળાવમાં આવતા પાણીથી આસપાસના કુવા અને બોર રિચાર્જ થતા હોય છે પરંતુ બ્યુટીફિકેશન બાદ ઉલ્ટુ થઈ ગયું છે. સરોવરમાં સંગ્રહિત પાણી ચોમાસાના બે-ત્રણ માસમાં જ ખાલી થવા લાગ્યું જેના કારણે કુવામાંથી લાઈન લંબાવી સરોવરને ભરવું પડી રહ્યું છે. અત્યાર સુધી ઉનાળામાં પણ તળાવ ખાલી થતું ન હતું, હવે અડધો શિયાળો ગયો ત્યાં તળાવ ખાલી થવા લાગ્યું છે. તળાવના કાંઠે આવેલી ખાનગી જમીનના કુવામાંથી પાણી લઈ ચાર દિવસથી સરોવરમાં ઘટેલા પાણીને પાછું હતું તે સ્થિતિમાં કરવા શાસકો ઉંધે માથે થયા છે. મુખ્યમંત્રી આવતા હોવાથી તેની પાસે કોઈ તળાવને લગતા ભોપાળા ખુલ્લા ન પડે તે માટે મનપાનું તંત્ર રાત-દિવસ મથામણ કરી રહ્યું છે.

