રાજકોટ ખાતે રહેતાં એક યુવાનને દ્વારકામાં કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂપિયા 8 લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે રાજકોટમાં રહેતા નિર્મળભાઈ નામના એક યુવાને દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને બે માસ પૂર્વે રાત્રિના સમયે ફોન આવ્યો હતો. તેઓ અવારનવાર સાધુ-સંત સાથે રહેતા હોય, તેની સાથે એક બાપુનો સંપર્ક થયો હતો. ત્યારે ફોનમાં વાત કર્યા મુજબ બાપુએ તેમને કહેલ કે ગુરૂ દાદા સાથે વાત કરો, તેની પાસે રિદ્ધિ સિદ્ધિ મળશે અને તેઓ આશીર્વાદ આપશે. આ બાબતે બાપુ અને ગુરૂ વિગેરે સાથે નિર્મળભાઈ બે દિવસ સંપર્કમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમને ફોન કરીને કહેલ કે દ્વારકા આવો. ગુરૂ દાદાએ તમને બોલાવ્યા છે અને તમારા દાગીના, સવા શેર ઘી, મીઠાઈ, પાંચ ફળ, ફૂલના હાર, ચોખા તથા પાણીની બોટલ સાથે લઈને આવજો. તેથી નિર્મળભાઈ, તેમના પત્ની તથા પુત્રી દ્વારકા ગયા હતા. તેમને ધ્રાસણવેલ ગામની સીમમાં બોલાવ્યા હતા. ત્યાં તેઓ જતા એક અજાણ્યો શખ્સ તેમને ગાડીમાંથી નીચે ઉતારીને બાવળની ઝાળીમાં અંદરની સાઈડ લઈ ગયો હતો. જ્યાં અંધારામાં બે શખ્સો મોઢા ઉપર ભભૂતિ લગાડીને બેઠા હતા અને તેમને કહ્યું હતું કે શું લઈને આવ્યા છો? જેથી તેઓએ મીઠાઈ, ઘી સહિતની ચીજ વસ્તુઓ આપી દીધી હતી.ત્યાર બાદ અહીં રહેલા ભભૂતિધારી અને સાધુ જેવા બે દેખાતા શખ્સોએ બધું સળગાવી અને ભડકો કર્યો હતો. તેઓએ યેનકેન પ્રકારે વિશ્વાસમાં લઈ, અને વિધિ જેવું કરતા એક શખ્સ જમીન ઉપર તરફડિયા મારવા લાગ્યો હતો અને બીજાએ કહેલ કે આનો જીવ બચાવવા માટે તમે સાથે લાવેલા દાગીના શુધ્ધ કરવા પડશે. તેમ કહેતા નિર્મળભાઈના પત્નીએ ચાર નંગ સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, સહિત આશરે રૂ. 8 લાખ જેટલી કિંમતના દાગીના તેઓએ બોક્સમાં મુકાવી આ સોનુ શુદ્ધ થઈ જશે તેમ કહી બીજા દિવસે તમને આ દાગીના રાજકોટ – જામનગર રોડ ઉપર ઘંટેશ્વર રોડ પર આપી જવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી આશરે બે માસ જેટલો સમય થઈ ગયા પછી પણ સોનાના દાગીના પરત ન આપતા અને તેમનો ફોન પણ બંધ હોવાથી અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

