અમરેલીના સાવરકુંડલા ગામે રહેતા યુવક સાથે ફોનમાં મેસેજ કરી તેને વિશ્વાસમાં લઇ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી જેને છોડાવવા માટે ચાર્જના નામે 14.09 લાખનો ફ્રોડ કરનારી નાઇઝિરીયન મહિલા આરોપીને અમરેલી કોર્ટે સાત વર્ષની સજા તથા 10,000નો દંડ ફટકારી સાયબર ફ્રોડ કેસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ચુકાદો આપ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં સાવરકુંડલા ગામે રહેતા પિયુષભાઇ ઠુમ્મર સાથે અજાણ્યા મોબાઇલ ધારક મહિલાએ ફોનમાં અવાર-નવાર મેસેજમાં વાતો કરી વિશ્વાસમાં લઇ લીધા બાદ મોટી રકમની ગીફ્ટ આપવાની લાલચ આપી તે દિલ્હી એરપોર્ટ પર આવી ગઇ છે અને તેને છોડાવવા માટે ચાર્જ ભરવો પડશે તેમ જણાવી રૂા.૧૪,૦૯,૦૦૦ મેળવી લીધા હતા. જે અંગે ફરિયાદ નોંધાઇ હતી.સાયબર ફ્રોડના આ ગુનામાં સરકાર પક્ષ તરફથી એ.પી.પી.જી.આર. ભાટકીયા દ્વારા અદાલત સમક્ષ ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને કરાયેલ છેતરપિંડીના ડિજિટલ પુરાવાઓ રજૂ કરાયા હતા. આ કેસમાં અમરેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. આર. વકાલિયા સમક્ષ ચાલી જતાં કેસમાં મહિલા આરોપી નાઇઝિરીયાની અનીકા લેથોબ્ડને સાત વર્ષની સાદી કેદની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો છે. આ તકે અદાલતે સ્પષ્ટ પણ કર્યું હતું કે સાયબર ફ્રોડ જેવા ગુનાઓ વધતા જતાં હોવાથી આવા ગુનાઓ સામે કાયદાની કડક કાર્યવાહી અનિવાર્ય છે. આ કેસમાં આરોપી મહિલાની ગુરૂગ્રામ હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી.

