RAJKOT : સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘ તાંડવ: ખેડૂતો પાયમાલ

0
43
meetarticle

અરબી સમુદ્રમાં ડીપ્રેસન અને તેના પગલે ટ્રોફથી ગુજરાતમાં શિયાળાના આરંભે ઠંડીના બદલે બફારા વચ્ચે હવામાનમાં તીવ્ર પલટો આવ્યો હતો અને મેઘરાજાએ બેથી બાર ઈંચ ધોધમાર વરસાદ વરસાવીને ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાને ધમરોળ્યા હતા. ઉપરાંત,જામનગર,મોરબી સહિત જિલ્લામાં પણ ઝાપટાંથી બે ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજુલામાં ગઈકાલે સવા ત્રણ ઈંચ બાદ આજે સવારે ૬થી ૮ દરમિયાન માત્ર ૨ કલાકમાં ૬ ઈંચ સહિત સાંજ સુધીમાં આશરે ૧૧ ઈંચ વરસાદ વરસી જતા તેમજ અમરેલીના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ડુંગળી,મગફળી,કપાસ સહિત કૃષિપાકોને વ્યાપક નુક્શાન થયું છે.અચાનક આવેલા પૂરમાં ૧૭૦ લોકો ફસાતા તેમનું મહામહેનતે રેસ્ક્યુ કરાયું હતું.

રાજુલા-અમરેલીથી અહેવાલ મૂજબ તાલુકાના ઉચૈયા ગામેથી બાળકો-ખેતમજૂરો સહિત ૫૦, ભયાદરથી ૫૦ અને ધારાનાનેસ ગામેથી ૭૦ લોકોને પૂરમાં તણાતા બચાવાયા છે. લોકોનું સ્થળાંતર કરીને પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો છે.

રાજુલાના સમઢીયાળા વિસ્તારમાં પૂર ફરી વળતા એક સગર્ભા મહિલા ફસાઈ હતી જેને જે.સી.બી.ની મદદથી પૂરની બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયેલ છે. રામપરા કોઝવે પર દૂધની ગાડી અને પીપાવાવ પોર્ટમાં પૂરથી રામપરા ગામે દૂધ ભરેલો ટેમ્પો વોકળામાં તણાયો હતો જે બન્નેના ડ્રાઈવરને દોરડાં વગેરેની મદદથી ગ્રામજનોએ બચાવ્યા હતા.

ચાંચબદર સહિત અનેક માર્ગો બંધ થયા હતા અને ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા હતા. લીલીયામાં પાંચ ઈંચ ધોધમાર વરસાદથી પૂરના પાણી દુકાનોમાં પહોંચ્યા હતા. ભારે વરસાદથી મગફળી,કપાસ,કઠોળ,ડુંગળી સહિત કૃષિપાકોને નુક્શાન થયું છે અને કેટલાક ખેતરો બેટમાં ફેરવાયા હતા. લાઠીના ઠાંસા ગામે સામતભાઈ વજાભાઈનું મકાન ધરાશાયી થયું હતું. કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર આસપાસ મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.ગઈકાલે ૧૫૨ તાલુકામાં ૧થી ૮ ઈંચ વરસાદ બાદ આજે સવારથી સાંજ સુધીમાં સમગ્ર રાજ્યમાં  ૨૧૦ તાલુકામાં ૭ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અણધાર્યો અતિશય ભારે વરસાદ ઉપરાંત રાજ્યના ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં પણ એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.  આજે સવારથી સાંજ સુધીમાં રાજુલામાં ૭ ઈંચ, ઉના, લિલીયામાં ૫ ઈંચ, સાવરકુંડલા, મહુવા,ખાંભા, વલ્લભીપુર, ગલતેશ્વર,કોડીનારમાં સાડાત્રણથી ચાર ઈંચ, તળાજા,જેસર,ખાનપુર,મેઘરજ (અરવલ્લી), ગોધરા, મહિસાગર જિ., જાફરાબાદ, બોટાદ, અમરેલી, ગારિયાધર સહિત તાલુકામાં દોઢથી બે ઈંચ જ્યારે સૌરાષ્ટ્રમાં અન્યત્ર એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here