સૌરાષ્ટ્રમાં ઉપલેટા, જેતપુર, ધોરાજી પંથકમાં ભૂકંપના આંચકાનો ચાલુ થયેલો સિલસિલો આજે રવિવારે પણ આગળ ધપ્યો હતો. જો કે, આજે વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ૨.૭ તિવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સદનશીબે હજુ કોઈ જાનમાલની નુકસાની નહીં થતાં હાશકારો થયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આજે તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૪.૫૭ કલાકે આ ભૂકંપ નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૭ મેગ્નિટયુડની માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટા શહેરથી ૨૬ કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં હોવાનું સામે આવ્યું છે. ભૂકંપની ઊંડાઈ જમીન સપાટીથી ૧૨ કિલોમીટર નીચે નોંધાઈ છે. સામાન્ય રીતે ૧૦ થી ૧૫ કિલોમીટરની ઊંડાઈએ ઉદભવતા આંચકાઓ સપાટી પર ધૂ્રજારીનો અનુભવ કરાવતા હોય છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોવાથી મોટું નુકસાન થતું નથી.વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના લોકો ઊંઘમાં હતા, તેથી ઘણા લોકોને આ આંચકાનો ખ્યાલ પણ આવ્યો ન હતો. જો કે, કેન્દ્રબિંદુની નજીકના ગામડાઓમાં કેટલાક જાગૃત નાગરિકોએ હળવી ધૂ્રજારી અનુભવી હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મકાનોને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, સૌરાષ્ટ્રની ભૌગોલિક રચનામાં રહેલી ફોલ્ટ લાઈન્સ સમયાંતરે સક્રિય થતી રહેતી હોય છે, જેના પરિણામે આવા નાના આંચકાઓ સામાન્ય છે. ૨.૭ની તીવ્રતાનો આંચકો ભયજનક નથી, તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
| ચાલુ મહિને ૧૫ આંચકા | |||
| તારીખ | સ્થળ | આંચકો | તીવ્રતા |
| ૧ જાન્યુ. | તાલાલા | ૧ | ૨.૬ |
| ૭ જાન્યુ. | ભચાઉ | ૧ | ૨.૮ |
| ૮ જાન્યુ. | ઉપલેટા | ૧ | ૩.૩ |
| ૯ જાન્યુ. | ઉપલેટા | ૧૧ | ૨.૨ થી૩.૮ |
| ૧૧ જાન્યુ. | ઉપલેટા | ૧ | ૨.૭ |

