RAJKOT : સૌરાષ્ટ્ર રાજકારણીઓનું એપીસેન્ટર બન્યું; મોદી-શાહ, રાહુલ, સંજયસિંહના ગુજરાતમાં ધામા

0
72
meetarticle

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ ગુજરાતને જીતવા કોંગ્રેસ અને આપે કમર કસી છે ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી-નેતાઓએ પણ એક પગ દિલ્હીમાં અને એક પગ ગુજરાતમાં રાખ્યો છે. આ બધીય વર્તમાન રાજકીય પરિસ્થિતીને જોતાં ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ જાણે ગુજરાતના આંટાફેરા વધાર્યા છે. ગુજરાત રાષ્ટ્રીય પક્ષોના નિશાને રહ્યુ છે. 

સૌરાષ્ટ્ર રાજકારણીઓનું કેન્દ્ર બન્યું

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે તો રાહુલ ગાંધી પણ જૂનાગઢમાં જીલ્લા પ્રમુખોની તાલીમ શિબિરમાં ભાગ લેવા આવશે. આ ઉપરાંત   પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં સહકાર સંમેલન સંબોધશે. જ્યારે ઘેડની સમસ્યાને લઇને આપના સાંસદ સંજયસિંહ પણ ગુજરાતની મુલાકાતે છે. આ જોતાં સૌરાષ્ટ્ર જાણે પોલિટીકલ એપી સેન્ટર બની રહ્યુ છે. 

ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ

વિધાનસભાની ચૂંટણીને આડે હજુ ઘણો સમય બાકી છે પણ આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અત્યારથી ગુજરાત વિપક્ષના નિશાને રહ્યુ છે. આ તરફ, ખુદ રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણી જીતવા ગુજરાત પર વધુ ઘ્યાન આપ્યુ છે. છેલ્લાં છ મહિનામાં રાહુલ ગાંધીએ પાંચ વાર ગુજરાતની મુલાકાત લીધી છે. આજે દિલ્હીમાં વાતાવરણ ખરાબ હોવાથી ફ્‌લાઇટ ટેક ઓફ ન થતાં રાહુલ ગાંધીનો પ્રવાસ રદ થયો હતો. પણ ફરી શુક્રવારે તેઓ જૂનાગઢ આવે તેવી શક્યતા છે. તેઓ પ્રશિક્ષણ શિબિરમાં જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે. સૌરાષ્ટ્રની ગ્રામ્ય વિસ્તારની બેઠકો કબજે કરવાની ગણતરી સાથે કોંગ્રેસ સક્રિય બની છે.

ગુજરાતની રાજનીતિનું એપીસેન્ટર સૌરાષ્ટ્ર

આ તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સૈારાષ્ટ્ર જ લક્ષ્ય રહ્યુ છે તે જોતાં તેઓ ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપશે. વડાપ્રધાનની વિદાય પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. પ્રથમ નોરતે તેઓ રાજકોટમાં સહકારી સંમેલનને સંબોધશે. હાલ ગુજરાતમાં એન્ટી ઇન્કમબન્સીનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે મોદી-શાહના પ્રવાસને ડેમેજ કંટ્રોલનો ભાગ ગણવામાં આવી રહ્યો છે. 

મોદી, શાહ, રાહુલ અને સંજય સિંહના પ્રવાસથી સૌરાષ્ટ્ર ચર્ચામાં

છેલ્લે વિસાવદરની બેઠક જીત્યા પછી આપને નવું ઓક્સિજન મળ્યું છે. થોડાક દિવસો પહેલાં ચોટીલામાં ખેડૂતોની મહાપંચાયતમાં કેજરીવાલે આવવાનુ નક્કી કર્યુ પણ વરસાદને કારણે આખોય કાર્યક્રમ પડતો મૂકાયો હતો. આજે ઘેડની સમસ્યાને ઉજાગર કરી સૌરાષ્ટ્રવાસીઓની સહાનુભૂતિ જીતવા આપના સાંસદ સંજયસિંહ ગુજરાત આવ્યાં છે. તેમણે ઘેડ બચાવો પદયાત્રાના સમાપનમાં એવુ એલાન કર્યું કે, આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.

ટૂંકમાં, હાલ સૌરાષ્ટ્ર પોલિટિકલ એપી સેન્ટર બની રહ્યુ છે તે જોતાં ભાજપ,કોંગ્રેસ અને આપના રાજનેતાઓએ ગુજરાતમાં અંડિગા જમાવ્યાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here