શહેરમાં રહેતી ૧૫ વર્ષની તરૂણીનું ડીજે તરીકે કામ કરતાં આરોપી ગૌરવ વિનોદ ટાંક (ઉ.વ.૧૮, રહે. મીરાબાઇ ટાઉનશીપ, વગડ ચોકડી પાસે)એ અપહરણ કરી, બે વખત સ્લીપર કોચ બસમાં અને એક વખત પોતાના ઘરે દુષ્કર્મ ગુજાર્યું હતું. ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ગૌરવની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર તરૂણીના પિતાએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. ૭નાં રોજ કામ પરથી છૂટી રાત્રે ઘરે આવ્યા ત્યારે પત્નીને પુત્રી ક્યા છે તેમ પૂછ્યું હતું. જેથી પત્નીએ રૂમમાં સૂતી હોવાનું કહેતા તપાસ કરી હતી. પરંતુ રૂમમાંથી મળી ન હતી. ગઇકાલે રાત્રે તેની પુત્રી પરત ઘરે આવી હતી. જેની પૂછપરછ કરતાં કહ્યું કે ગઇ તા. ૭નાં રોજ સાંજે ઘરેથી નીકળી ભક્તિનગર સર્કલે ગઇ હતી.
જ્યાં તેનો ફ્રેન્ડ ગૌરવ ઉભો હતો. તેને એક્ટીવામાં બેસાડી ચોટીલા લઇ ગયો હતો. ચોટીલામાં એક્ટીવા મૂકી અમદાવાદ ફરવા જઇએ તેમ કહી ખાનગી લકઝરી સ્લીપર કોચમાં બેસાડી હતી. થોડીવાર બાદ ગૌરવે તેની સાથે લગ્ન કરી લેવાની વાત કરી બસમાં જ શરીર સંબંધ બાંધ્યો હતો. રાત્રે અમદાવાદ પહોંચ્યા બાદ જુદી-જુદી જગ્યાએ ફર્યા હતાં. ગઇકાલે અમદાવાદથી ચોટીલા આવવા માટે ફરીથી ખાનગી લકઝરી બસના સ્લીપર કોચમાં બેઠા હતા. જ્યાં ફરીથી ગૌરવે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યાર પછી બંને ચોટીલા ઉતરી ગયા હતાં. જ્યાંથી ગૌરવના એક્ટીવા પાછળ બેસી રાજકોટ આવી હતી. રાજકોટમાં જુદી-જુદી જગ્યાએ ફર્યા બાદ ગૌરવે તેને ઘરે જતી રહેવાનું કહેતા ઘરે આવી ગઇ હતી. વધુમાં કહ્યું કે ગૌરવે ગત જૂન માસમાં પણ તેના ઘરે તેને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી ગૌરવની ધરપકડ કરી પૂરાવા મેળવવા તજવીજ શરૂ કરી છે.

