RAJKOT : 10-20 રૂપિયાની રદ્દી નોટની ભરમાર : સિક્કા અચાનક ગાયબ

0
62
meetarticle

રાજકોટમાં હાલ દિવાળી પૂર્વેના તહેવારો સમયે જ કરન્સીનો કકળાટ ચાલુ થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં રૂ. 10-20ની 90 ટકા ચલણી નોટો સાવ ફાટેલી અને રદ્દી આવી ગઈ છે. બીજી તરફ, મોટી જનજાગૃતિ ઝુંબેશના અંતે માંડ ચલણમાં સ્વીકૃત બનેલા રૂ 10ના સિક્કા તો સાવ ગાયબ જ થઈ ગયા છે. 

રાજકોટમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું કે, ‘ત્રણ મહિના પહેલા સિક્કાની અછતની ફરિયાદ ઉઠતા કોઈન મેલા યોજીને વેપારીઓ અને આમ જનતાને અઢી કરોડના સિક્કાનું વિતરણ કરી આપ્યું હતું, હવે બેંક ભંડોલમાં પણ સિક્કા ખાલી થઈ ગયા છે. રિઝર્વ બેંક તરફથી પૂરતા પ્રમાણમાં સિક્કા અને નોટ ફાળવવામાં આવતા નથી, એટલે અત્યારે વિકટ સ્થિતિ છે. દરરોજ અનેક વેપારીઓ રૂ. 10-20 ના સિક્કા લેવા આવે છે, પણ ધક્કો ખાઈને રકઝક કરીને પરત જાય છે’. 

આજે રાજકોટમાં સ્ટેટ બેંકની મુખ્ય શાખાએ અનેક વેપારીઓ રૂ. 10-20ના સિક્કા માટે ધક્કા ખાઈને આક્રોશ ઠાલવતા જોવા મળ્યા હતાં. જો કે, સ્ટેટ બેંકના અધિકારીઓ પણ રિઝર્વબેંક પાસે પરચૂરણ માંગતા ડરી રહ્યાં હોય એમ આરબીઆઈમાં સ્થિતિ અંગે જાણ કરવાના બદલે ‘સિક્કા – નોટો આવશે ત્યારે આપશું, કયારે આવશે એ ખબર નથી…’ એવા ઉડાવ જવાબ આપી રહ્યાં છે.

એટલું જ નહીં, આર્થિક વ્યવહારના મહત્વના પ્રાણપ્રશ્ને શાસક – વિપક્ષના નેતાઓ તો ઠીક, વેપારી સંગઠન પણ મૌન છે. 109 વ્યાપારિક સંગઠનો સાથે જોડાયેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ કહે છે, ‘અમને હજુ કોઈ ફરિયાદ મળી નથી. સોમવારે તપાસ કરીને જરૂરી નિર્ણય લેશું.’ જયારે ઉપપ્રમુખ કહે છે કે, ‘વેપારી – ગ્રાહકોએ રોકડ વ્યવહાર કરવો જ ન જોઈએ. ડિજિટલ પેમેન્ટની પૂરતી વ્યવસ્થા છે. છૂટા પૈસાનો પ્રશ્ન જ ઉભો થશે નહીં.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here