ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના હુકમ બાદ ગોંડલની કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યા બાદ રીબડાના અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં પોલીસે તેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. બાદમાં શનિવારે (20મી સપ્ટેમ્બર) તેની સવિશેષ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી સાથે ગોંડલ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. ત્યારે અમિત ખૂંટ આત્મહત્યાનો કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

જાણો શું છે મામલો
પોલીસે પ્રાથમિક પૂછપરછમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આપઘાત પ્રકરણમાં સંડોવણી જાહેર બાદ છેલ્લા પાંચ માસથી ફરાર રહ્યા ત્યારે કયાં-ક્યાં આશ્રય લીધો હતો. આ ઉપરાંત તેનો પુત્ર રાજદિપસિંહ સાથે હતો કે કેમ તેમજ જૂનાગઢના રહીમ મકરાણી સાથે સંપર્ક હતો કે નહીં સહિતના મુદે પોલીસે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી, પરંતુ કોર્ટે બે દિવસના એટલે કે સોમવાર (22મી સપ્ટેમ્બર) બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આપઘાત કેસમાં અનિરૂધ્ધ જાડેજાના રિમાન્ડ મંજૂર થયા બાદ સત્ય હકકીત બહાર આવશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

