વંથલી તાલુકાના આખા ગામમાં આવેલા ગૌચરની જમીન પર કબ્જો કરી લેનાર શખ્સને નોટિસ આપવા છતાં જમીન ખાલી કરી ન હતી. આથી સરપંચે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરી હતી. જિલ્લા કક્ષાની લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સરપંચને ફરિયાદ કરવા હુકમ કરતા આજે સરપંચે કબ્જો કરનાર શખ્સ સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી તાલુકાના આખા ગામના સરપંચ હનીફાબેન સુલેમાનભાઈ દલ (ઉ.વ. 50) છેલ્લા ચારેક વર્ષથી સરપંચ તરીકે સેવા આપે છે. તેઓ દ્વારા ગામમાં સરકારની માલિકીની જમીનને જાળવણી અને ગેરકાયદેસર દબાણ અટકાવવા તેમજ દુર કરવા અંગે કાર્યવાહી કરી હતી. જે લોકોએ ગૌચરની જમીન પર દબાણ કર્યું હતું તે ખાલી કરવા ગ્રામ પંચાયતે સર્વાનુમતે નક્કી કર્યું હતું. જે લોકોએ કબ્જો કર્યો હતો તે ખાલી કરાવવામાં આવ્યો હતો. આખા ગામના રાજા રાણા સોલંકીએ તેને મળેલી સાંથણીની જમીનની બાજુની ગૌચરની જમીન ગેરકાયદેસર રીતે કબ્જે કરી લીધી હતી અને તેના પર વાવેતર પણ કરી લીધુ હતું. આ બાબત અંગે ગ્રામ પંચાયતે રાજા રાણા સોલંકીને નોટિસ આપી જમીન ખાલી કરવા તાકિદ કરવામાં આવી હતી તેમ છતાં તેણે જમીન પરનો કબ્જો ખાલી કર્યો ન હતો. ગૌચર પરનો કબ્જો ખાલી ન કરતા સરપંચે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં લેન્ડગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવા અરજી કરી હતી. તા.6-11-2025ના લેન્ડગ્રેબિંગ કમિટી દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. કલેક્ટરના હુકમથી આજે આખા ગામના સરપંચ હનીફાબેન સુલેમાનભાઈ દલે રાજા રાણા સોલંકી સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ, કાયદાની કલમ 4(3), 5(C) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે વંથલી પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

