રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે ગંભીર વળાંક લીધો છે. અંદરો અંદરના ઝઘડા અને કથિત ત્રાસથી કંટાળીને 6 જેટલા કિન્નરોએ મોડી રાત્રે સામૂહિક રીતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામ કિન્નરોને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જામનગર રોડ પર ફિનાઇલ પીધું
મળતી માહિતી મુજબ, આ ઘટના મોડી રાત્રે જામનગર રોડ પર આવેલા ખાટું શ્યામ મંદિર પાસે બની હતી, જ્યાં છ કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિન્નર નિકિતા માસીએ એક વીડિયો જાહેર કરીને મદદની માંગણી કરી છે અને અન્ય કિન્નરો પર ગંભીર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
નિકિતા માસીએ આક્ષેપ કર્યો છે કે, ‘જ્યુબેલી ગાર્ડન પાસેની એક ઘટના બાદ મીરા અને મિહિર સહિતના અન્ય કિન્નરો દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે મેં દવા પીધી છે. મને સારું થઈ જશે તો પણ હું ફરી આપઘાત કરીશ.’ જો કે, આ સમગ્ર વિવાદ અને મારામારીનું સાચું કારણ શું છે તે અંગે પોલીસ દ્વારા હજી તપાસ ચાલી રહી છે. હાલ તમામ 6 કિન્નરો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
