સંત શિરોમણી ભક્તશ્રી જલારામબાપાની ૨૨૬મી જન્મ જયંતી વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ હતી. આ નિમિતે સેવાભાવી યુવાનોએ 226 કિલો વજનની કેક બનાવવામાં આવી હતી તેમજ શોભાયાત્રામાં 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો. આજે વીરપુરમાં જાણે કે ફરી દિવાળી આવી હોય એમ ઠેરઠેર રંગોળી રચાઈ હતી અને ગામને સુશોભિત કરાયું હતું.ઠેરઠેર આતશબાજી થઈ હતી તેમજ ઘરે ઘરે આસોપાલવના અને આબાંના પાનના તોરણ બંધાયા હતા.

પૂજય જલારામબાપાની જન્મજયંતી નિમિતે સમગ્ર વીરપુર ધર્મમય બની ગયું હતું.આખુ નગર ભાવિકોથી છલકાઈ ગયું હતુ. હોટલ ગેસ્ટહાઉસ બધા પેક થઈ ગયા હતા. જન્મજયંતી નિમિતે દેશ વિદેશથી લાખો લોકોએ આવી ધન્યતા અનુભવી હતી. બાપાના દર્શનનો લાભ અને પહેલી આરતીના દર્શન કરવા માટે ભાવિકોએ એક કિલોમીટર લાંબી લાઈન લગાવી હતી.વહેલી સવારે મંદિરના દ્વાર ખૂલતાં જ ભાવિકોએ દર્શન લાભ લીધો હતો.રાતે બાર વાગ્યે કેક કાપીને મહાઆરતી કરાઈ હતી.
જન્મજયંતી મહોત્સવ નિમિતે દરેકના આંગણે અવનવી રંગોળી રચાઈ હતી. જેમાં બાપાના જીવન ચરિત્ર વિષયક રંગોળીનો પણ સમાવેશ થતો હતો. નગરમાં ફુલહાર, આસોપાલવના તોરણો બાંધવામાં આવ્યા હતા. લોકોએ દિવાળી નૂતન વર્ષની જેમ ફટાકડાની આતશબાજી કરી હતી. અહી મીનળવાવ ચોકમાં મહાઆરતી કર્યા બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જલારામબાપાએ સદાવ્રતમાં બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવાનું શરૂ કર્યું હતું એ મુજબ શોભાયાત્રામાં 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરાયો હતો.

