રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જેતપુર સિટી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી તેમને વડોદરા અને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે.

આ શખ્સો જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરતા હતા અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા હતા. તેમની ટોળકી અપહરણ, લૂંટ, રાત્રિના સમયે ગુનાહિત પ્રવેશ અને હત્યાના ઇરાદે ગંભીર મારામારી જેવા ગુનાઓમાં સક્રિય હતી.
આ ગુનાહિત ટોળકીનો મુખ્ય સૂત્રધાર અવધ અરવિંદભાઈ તિવારી (રહે. જેતપુર, બાપા સીતારામ હોટલ પાસે, ગલગલિયા ઢાબા આગળ, જૂનાગઢ રોડ) અને તેનો મુખ્ય સાગરીત મુનાવર ફરીદભાઈ રફાઈ (રહે. જેતપુર, બાવાવાળાપરા, પિંજારા શેરી, સહકારી મંડળી સામે) હતા. જેતપુર સિટી પોલીસના એ.ડી. પરમાર દ્વારા આ બંને વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ પ્રપોઝલ રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડો. ઓમપ્રકાશ સાહેબને મોકલવામાં આવ્યું હતું. તેમણે ટોળકીના મુખ્ય સૂત્રધાર અને તેના સાગરીતની પાસા મંજૂર કરી, આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ અને સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.પીઆઈ વી.વી. ઓડેદરા અને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ અને જેતપુર સિટી પોલીસ સ્ટાફે તાત્કાલિક આરોપીઓને શોધી કાઢ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, તેમને જેતપુર સિટી પોલીસ સ્ટેશન લાવી પાસા અટકાયતના હુકમની બજવણી કરીને વડોદરા અને સુરતની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

