મવડી, નાનામવા રોડ અને જામનગરમાં આવેલા અર્જુન જ્વેલર્સના શો રૂમમાં કેશિયર તરીકે નોકરી કરતાં હિતેષ શૈલેષ પરમારે (રહે. બાલાજી હોલ પાસે, વલ્લભ વિદ્યાનગર સોસાયટી શેરી નં. 3)એ જુદા-જુદા ગ્રાહકો પાસેથી રૂા. 1.74 કરોડ મેળવી લઇ અને શો રૂમમાંથી સોનુ લઇ અંદાજે રૂા. બે કરોડનું કૌભાંડ આચર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે તેને તેના વતન બોરસદથી ઝડપી લીધો હતો.

શો રૂમના માલિક મનિષભાઇ નથુભાઈ ધાડિયા (ઉ.વ. 40) નાનામવા મેઇન રોડ પર સાકેત પાર્ક-2માં રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે 2022માં આરોપીને કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હતો. 2024માં હેડ કેશિયર તરીકે બઢતી આપી મવડી રોડ પરના શો રૂમમાં બદલી કરી હતી. નોકરી દરમિયાન આરોપીએ પોતાના વાકચાતુર્યથી વિશ્વાસ કેળવી શો રૂમના ગ્રાહકોનો સંપર્ક કરી તેમનો પણ વિશ્વાસ જીતી લીધો હતો. 2025માં જામનગરમાં શો રૂમ શરૂ કરતાં આરોપીને ત્યાં સંપૂર્ણ જવાબદારી સાથે મોકલ્યો હતો. જો કે બાદમાં ગેરવર્તુણુકને કારણે ગત ઓગસ્ટ મહિનામાં આરોપીને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો. તેના અઠવાડિયા પછી જાણવા મળ્યું હતું કે આરોપીએ જુદા-જુદા ગ્રાહકો પાસેથી સોનુ અપાવવાના નામે પૈસા લઇ બદલામાં તેમને શો રૂમના ખોટા વાઉચર આપી દીધા હતાં. આ રીતે આરોપીએ જુદા-જુદા ગ્રાહકો પાસેથી કુલ રૂા. 1.74 કરોડ મેળવી લીધા હતા.
એટલું જ નહીં શો રૂમમાંથી રૂા. 25.57 લાખના દાગીના પણ લઇ ગયો હતો. આ રીતે આરોપીએ કુલ રૂા. 1.99 કરોડની ઉચાપત કરી હતી. આરોપીને ગત ઓગસ્ટ માસમાં જે ગ્રાહકોના પૈસા ઓળવી ગયો હતો, તેમની હાજરીમાં બોલાવાયો હતો. તે વખતે આરોપીએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યાર પછી બોલાવવા છતાં હિસાબની ચોખવટ કરવા માટે આવતો ન હતો, જેને કારણે આખરે ગઇકાલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપીને બોરસદથી ઝડપી લીધો હતો. આરોપીએ બે કરોડ જેવી માતબર રકમનું શુ કર્યું, ક્યા કારણથી ઉચાપત કરી તે સહિતના મુદ્દે હવે પોલીસ તેની પૂછપરછ કરશે.
