RAJKOT : નિવૃત બેન્ક અધિકારી જ બેન્કિંગ ફ્રોડનો ભોગ, રૂા. 16 લાખ ગુમાવ્યા

0
14
meetarticle

રાજકોટમાં રહેતા નિવૃત બેન્ક અધિકારી જ બેન્કિંગ ફ્રોડનો ભોગ બન્યા છે. યુનિવર્સિટી રોડ પર મીલાપનગર પાસેની ગુલમહોર સોસાયટી શેરી નં. ૧માં રહેતા અને દેના બેન્કમાંથી સ્કેલ-૧ અધિકારી તરીકે નિવૃત થયેલા હસમુખભાઈ ગણાત્રા (ઉ.વ.૭૨) ઓનલાઇન પેન્શન રીટાયર્ડ કાર્ડ કઢાવવા જતા ગઠીયાએ તેમના મોબાઇલનો એક્સેસ મેળવી તેમના ખાતામાંથી રૂા. ૧૬ લાખ ઉપાડી લીધા હતાં. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ફરિયાદમાં હસમુખભાઈએ જણાવ્યું છે કે ગઇ તા. ૬ નવેમ્બરના રોજ ફેસબૂક પર સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે બેન્ક ઓફ બરોડાનું પેઇજ જોયું હતું. જેમાં બેન્ક ઓફ બરોડા પેન્શન રીટાયર્ડ કાર્ડ બનાવવા માટે ફોર્મ આપેલું હતું. જ્યારે દેના બેન્કમાં નોકરી કરતા હતા ત્યારે તે બેન્ક ઓફ બરોડામાં મર્જ થઇ ગઇ હતી. જેથી કાર્ડ કઢાવવા માટે એપ્લાય બટન પર ક્લીક કરતાં એકાદ કલાક પછી અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં વીડિયો કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાનો ચહેરો દેખાતો ન હતો માત્ર બેન્ક ઓફ બરોડાનો લોગો દેખાતો હતો. સામાવાળાએ તેમનું પેન્શન કાર્ડ બનાવવા માટે જે બેન્ક ખાતામાં પેન્શન જમા થાય છે તેનો નંબર અને તેમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર માગતા આપી દીધો હતો. સામાવાળાએ તેમનું એડ્રેસ પણ વેરીફાઈ કર્યું હતું. અડધો કલાક  સુધી વીડિયો કોલ ચાલ્યો હતો. જે બાદ સામાવાળાએ કાર્ડ જનરેટ થઇ રહ્યાનું જણાવ્યું હતું.

ત્યાર પછી અચાનક કોલ કટ થઇ ગયો હતો. મોબાઇલ ચેક કરતાં લોક થઇ ગયાનું જોવા મળ્યું હતું. જેથી કંપનીના સેન્ટરમાં જતા ત્યાં ફોન ફોર્મેટ કરી પરત આપવામાં આવ્યો હતો. પરિણામે ફોનમાં રહેલો તમામ ડેટા ડિલીટ થઇ ગયો હતો. બીજા દિવસે જાણવા મળ્યું કે તેમના બે બેન્ક એકાઉન્ટમાંથી રૂા. ૧૬ લાખના ટ્રાન્જેકશન થઇ ગયા છે. આખરે સાયબર ફ્રોડ થયાની જાણ થતાં સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે ગઇકાલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

સાયબર ક્રાઇમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ફરિયાદીનો ડેટા ડિલીટ થઇ જતાં હવે ક્યા નંબર ઉપરથી વીડિયો કોલ આવ્યો હતો તે વિશે કોઇ માહિતી મળી નથી. ફરિયાદી બેન્ક અધિકારી હોવા છતાં આ પ્રકારે ભોગ બનતાં પોલીસને પણ આશ્ચર્ય થયું છે. ખરેખર કઇ રીતે તેમની સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે તે વિશે માહિતી મેળવવા સાયબર ક્રાઇમ પોલીસ પ્રયાસો કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here