ગોંડલ-આટકોટ હાઈવે પર મોટા દડવા ગામ નજીક આજે વહેલી સવારે અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવી રહેલી કાર એકાએક બેકાબૂ બનીને પુલ પરથી નીચે ખાબકતા ભીષણ આગ સાથે અગનગોળો બની ગઈ હતી. એ આગમાં છોટાઉદેપુરથી ગોંડલ આવી રહેલા બે શિક્ષિકા અને એક શિક્ષક સહિત ત્રણેય લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી.

કાળજુ કંપાવનારી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ છોટાઉદેપુરની ગાંઠીયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આશાબેન સત્યપાલ ચૌધરીનો પુત્ર હેત ગોંડલ સ્વામિનારાયણ ગુરૂકુલમાં ધો. 10માં અભ્યાસ કરે છે, જે બીમાર પડતા ગોંડલ ગુરૂકુલમાંથી તેને ઘરે લઇ જવા માતા આશાબેનને ફોન આવ્યો હતો. આથી તે તેમજ તેમની સાથે ફરજ બજાવતા શિક્ષિકા નિતાબેન એન્થની પટેલ અને છોટાઉદેપુરનાં મોટી સઢલી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રયાગકુમાર ગણપતિ બારીયા GJ-34 N 0962 નંબરની ઓરા કારમાં ગોંડલ આવવા નિકળ્યા હતા.
આજે શુક્રવારે વહેલી સવારે 6 કલાકે કાર આટકોટ-ગોંડલ રોડ પર મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે કારચાલકે કાબુ ગુમાવતા પુરવેગે પુલની દીવાલ 8 અથડાઇને આઠ ફુટ નીચે ખાબકી હતી. પેટ્રોલ લીકેજ કે શોટસર્કીટને કારણે કારમાં ભિષણ આગ લાગતા પળવારમાં અગનગોળો બની હતી. અકસ્માત સર્જાતા કારનાં દરવાજા લોક થઇ જવાથી અંદર બેઠેલા શિક્ષકો આશાબેન, નિતાબેન તથા પ્રયાગકુમાર આગની લપેટમાં આવી ભડથું થઇ ગયા હતાં. ઓરો કાર પણ સળગીને ભસ્મીભૂત બની ગઈ હતી. કારમાં લાગેલી આગ એટલી ભયાનક બની ગઇ હતી કે અંદર બેઠેલા ત્રણેયને બચાવની કોઈ તક મળી ના હતી.
બનાવ અંગે સૌપ્રથમ સાણથલી 108 એમ્બ્યુલન્સમાં વહેલી સવારે કોલ આવ્યો હતો. બાદમાં અકસ્માતની જાણ થતા જ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ અને ‘112 જનરક્ષક’ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું. કારની અંદર તપાસ કરતા ત્રણ વ્યક્તિના માનવ હાડપિંજર મળી આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા રજૂ કરે છે. આટકોટ નજીક ગોજારા અકસ્માતની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એએસપી ડો. નવીન ચક્રવર્તી તથા આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ આરંભી હતી.

