ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ પાછળ વંદના હેરીટેજમાં રહેતા બિલ્ડર વિરેન બાબુભાઈ સિંધવે મવડીનાં બાપા સિતારામ ચોકમાં બનાવેલી શીવાય ફલેટના પ્રોજેક્ટ ઉપર એક મંડળીમાંથી લોન લીધા બાદ ફલેટ ગ્રાહકોને વેંચી દઈ છેતરપીંડી કર્યાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

રાજનગર ચોક પાસે રાધાનગર ગલાલ વિહાર સોસાયટીમાં રહેતા હેતલબેન ટીલાળા (ઉ.વ. 40) કોટડાસાંગાણીનાં મોટામાંડવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, 2018ની સાલમાં તેણે લોન લઈ આરોપીનાં બિલ્ડીંગમાં ફલેટ ખરીદ કર્યો હતો. જે ફલેટ દિયર કિશનભાઈ ટીલાળાને રહેવા માંટે આપી દીધો હતો. આ ફલેટનો આરોપીએ વેંચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો.
ગત મે માસમાં તેનાં દિયરને એડવોકેટની નોટીસ મળી હતી. જેમાં જણાવાયું હતું કે, આરોપીએ તેની બિલ્ડીંગના 17 ફલેટની ફાઈલ ઉપર માંડવરાયજી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી રૂ. 2.50 કરોડની લોન લીધી હતી. જેમાંથી રૂ. 2 કરોડ ભરપાઈ કરી દીધા છે. બાકીના રૂ. 50 લાખ હજુ ભરપાઈ કર્યા નથી. તેના વ્યાજ સહિત કુલ રૂ. 66.35 લાખ ભરપાઈ કરવાના છે.
જેથી તેના ઉપરાંત અન્ય ફલેટ ખરીદદારોને મંડળી તરફથી રકમ ભરી આપવા નોટીસ આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, જો રકમ ભરવામાં કસુર કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી તમામ 17 ફલેટનાં ખરીદદારોએ ભેગા મળી આરોપીને રજુઆત કરતા જણાવ્યું કે, હવે તેની પાસે પૈસા નથી. આરોપીએ તમામ ફલેટ ખરીદદારોને તેની મિલ્કત ઉપર કોઈ બોજો નથી તેમ જણાવી ફલેટનું વેંચાણ કર્યું હતું. આ રીતે આરોપીએ તમામ 17 ફલેટ ખરીદદારો સાથે છેતરપીંડી કરતા તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. અન્ય ભોગ બનેલા ફલેટ ખરીદારોમાં પ્રજ્ઞાાબેન ચૌહાણ, જોશનાબેન ડાંગરીયા, ભારતીબેન જોષી, જયેશભાઈ પંડયા, મંજુલાબેન ભંડેરી, કૃષ્ણાબેન સાવલીયા, રેખાબેન ધામેલીયા, અંકિતાબેન રોજાસરા, ક્રિષ્નાબેન મહેરા વગેરેનો સમાવેશ થાય છે.

