રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લામાં ઘરફોડી અને વાહન ચોરી કરી તરખાટ મચાવનાર રાજસ્થાનના બુંદિ જિલ્લાની કંજર તરીકે ઓળખાતી ગેંગના ત્રણ સભ્યોને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લેતાં ઘણી ચોરીના ભેદ ઉકેલાયા છે.

કંજર ગેંગ મિનિ ટ્રક લઈ ચોરી કરવા જાય છે. ટ્રક હાઈ-વે પાસેની કોઈ હોટલે પાર્ક કરી નજીકમાંથી બાઈકની ચોરી કરી તેની ઉપર બેસી બારોબારની સોસાયટીઓમાં ચોરી કરે છે. એલસીબી પીઆઈ વી. વી. ઓડેદરા અને પીએસઆઈ આર. વી. ભીમાણીએ જુદી-જુદી ટીમોને કંજર ગેંગને પકડવા કામે લગાડી હતી.
આખરે આ ગેંગના ત્રણ સભ્યો બુધરાજ કંજર, સરમા કંજર અને સુમિત કંજરને ઝડપી લીધા હતા. પુછપરછમાં આ ગેંગના પપ્પુ, દિપક સહિતનાઓના નામ ખુલ્યા છે. જેમને ઝડપી લેવા એલસીબીએ તજવીજ કરી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી બે મિનિ ટ્રક ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૧૦.૧પ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક પુછપરછમાં આ ગેંગે ગોંડલ નજીક આવેલા એક ગામમાંથી, ગોંડલ નજીકજ આવેલા બીજા ગામના બે રહેણાંક મકાનોમાંથી, આટકોટ નજીકના ગામમાં આવેલા બંધ મકાનમાંથી, ગોંડલ માર્કેટયાર્ડની સામે આવેલ સોસાયટીમાં સ્થિત મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે.
આ ઉપરાંત આ ગેંગ ગોંડલ નજીકના હાઈ-વે પર ટ્રક પાર્ક કરી એક બાઈકની ચોરી કરી તેમાં બેસી ચોરી કરવા ગઈ હતી. પરંતુ બંધ મકાન નહીં દેખાતા બીજા ગામમાં જઈ ચોરી કરેલું બાઈક મૂકી ત્યાંથી બીજું બાઈક લઈ ગોંડલ શહેર પહેલાં આવતી ચોકડી નજીકની સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરવાની કોશિષ કરી હતી. ત્યાર પછી પેટ્રોલ પંપ નજીક ચોરી કરેલું બાઈક ખાડામાં નાખી દીધું હતું. આ ઉપરાંત વાંકાનેર શહેરની આજુ-બાજુમાંથી ત્રણ બાઈકની ચોરી કરી તેમાં બેસી રહેણાંક મકાનોમાં ચોરીની કોશિષ કરી હતી પરંતુ કોઈ મત્તા હાથમાં નહીં આવતાં ત્રણેય ચોરાઉ બાઈક અલગ-અલગ જગ્યાએ મુકી ભાગી ગયા હતા. આ ગેંગ ચોરી કર્યા બાદ મિનિ ટ્રકમાંજ પોતાના વતન જતી રહેતી હતી.

