મીઠાપુર પંથકમાં નવી રચાયેલી મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત શખ્સો સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ (ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા તમામને હસ્તગત કરી તા. 14 સુધી રિમાન્ડ પર મેળવાયા છે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મીઠાપુર વિસ્તારમાં આરોપીઓ કિશનભા ભાવુભા માણેક (જોધાણી) (રહે. માણેક ચોક, સુરજકરાડી મુળ રહે. મેવાસા) અને મેહુલ કમલેશભાઈ પરમાર (રહે. સાંઇ બાબાના મંદિરની પાછળ, આરંભડા સીમ, મુળ રહે. ભાતેલ, તા. ખંભાળિયા) દ્વારા સિન્ડિકેટ રચીને એક નવી મહાકાલ ગેંગ કાર્યરત થયેલ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. તા. 15 સપ્ટેમ્બરના સાંજના સમયે આરોપીઓ દ્વારા પોતે ઉંચા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી કરવા તેમજ ખંડણી મેળવવા માટે એક યુવકનું અપહરણ કરી, ટેલિફોનીક ધાકધમકી આપી એકબીજાએ ગુનામાં મદદગારી કરી ગુનો આચર્યો હતો. જેથી તા. 16 ના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોપીઓ દ્વારા એક મહીલા સહિત તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી મીઠાપુર પોલીસ મથકમાં બી.એન.એસ. તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આરોપીઓ મીઠાપુર સહિત ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ મેળવતા હોવાનું ખુલવા પામ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સતત આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા આરોપીઓની ગુનાહિત પ્રવૃતિને અંકુશ મેળવવા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ કુલ 7 આરોપીઓ મુખ્ય સૂત્રધાર કિશનભા ભાવુભા માણેક, મુખ્ય સૂત્રધાર મેહુલ કમલેશ પરમાર, કરણભા જેઠા કારા, ઉમેશભા અજુભા માણેક, કનૈયા સામરા હાથીયા, એભાભા વીરાભા સુમણીયા, દીપુભા વીરાભા સુમણીયા વિરૃધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામને હસ્તગત કરી તા. 14 સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યા છે. આ ગુનાની વધુ તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ ચલાવી રહ્યા છે.

